નવી દિલ્હી : કોનમેન સુકેશે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. દિલ્હીની મંડોલી જેલમાં બંધ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. આ વખતે પત્રમાં સુકેશે મંત્રાલયને વોટ્સએપ ચેટને પુરાવા તરીકે મોકલી છે જેમાં કે કવિતા, અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈનની દારૂના કૌભાંડમાં નાણાંની લેવડ-દેવડમાં સંડોવણી દર્શાવવામાં આવી છે.
કેજરીવાલ સરકાર દારૂના કૌભાંડમાં સંડોવાયેલી : દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે ફરી એક લેટર બોમ્બ ફોડ્યો છે. જેમાં સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે. કવિતા અને સત્યેન્દ્ર જૈન પર અનેક આરોપો લાગ્યા છે. કોનમેનએ દાવો કર્યો છે કે કેજરીવાલ સરકાર દારૂના કૌભાંડમાં સંડોવાયેલી છે. તેણે પોતાના વકીલ મારફતે ગૃહ મંત્રાલયને પુરાવા તરીકે વોટ્સએપ ચેટ મોકલી છે. સુકેશે આ પત્ર 15 એપ્રિલે લખ્યો હતો, જે તેના વકીલે શનિવારે ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો.
કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો : સુકેશ ચંદ્રશેખરે તેના પત્રમાં લખ્યું છે કે, તેમના સ્ટાફે હૈદરાબાદમાં કે. કવિતા પાસેથી રોકડ લીધી અને પછી તે રોકડ સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી અને ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવી. સુકેશે આગળ લખ્યું છે કે ચેટ દરમિયાન રકમ માટે કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું નામ ઘી ટીન હતું, એક ટીન એક કરોડ રૂપિયા બરાબર હતું. તેણે દાવો કર્યો છે કે તેની પાસે ઘણી વધુ ચેટ્સ છે જેનો તે સમય આવશે ત્યારે પુરાવા તરીકે ઉપયોગ કરશે.
કેજરીવાલ પર કટાક્ષ કર્યો : તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે 'સત્યની જીત થઈ છે, હું તેમનું તિહાર જેલમાં સ્વાગત કરું છું. ત્રણ ભાઈ હવે તિહાડ ક્લબ ચલાવશે. હું તેમને ખુલ્લા પાડવાનું ચાલુ રાખીશ. મેં અગાઉ પણ કેજરીવાલ અને તેમની ટીમ વિરુદ્ધ જુબાની આપી છે. હું સરકારી સાક્ષી બનીશ અને દિલ્હીના સીએમ અને તેમની ટીમ સામે તમામ પુરાવા આપીશ.