નવી દિલ્હીઃ દિલ્હીના કાલકાજી મંદિરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી. ગત રાત્રે (17 જાન્યુઆરી, શનિવાર) જાગરણ દરમિયાન સ્ટેજ ધરાશાયી થતાં અહી નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત રાત્રે 12.30 વાગ્યાની આસપાસ થયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વધુને વધુ લોકો સ્ટેજની નજીક જવા ઇચ્છતા હતા. આ સિવાય સ્ટેજની બાજુમાં બનાવેલા પ્લેટફોર્મ પર પણ લોકો ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મંદિર પ્રશાસન અને પોલીસના ના પાડવા છતાં લોકો કાબૂમાં ન આવ્યા અને સ્ટેજની બાજુનો ભાગ પડી ગયો. સ્ટેજનો ભાગ પડતાની સાથે જ અરાજકતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તમામ ઘાયલોને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મંજુરી વગર કાર્યક્રમ: દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કાલકાજી મંદિર પરિસરમાં આયોજિત આ જાગરણ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં માતાના જાગરણમાં ભજન ગાતા સિંગર બી પ્રાકે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે મેનેજમેન્ટ યોગ્ય હોય તે ખૂબ જ જરૂરી છે. છેલ્લા 26 વર્ષથી કાલકા જી મહંત પરિસરમાં આ જાગરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ખાનગી હતો. કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે સ્થાનિક એસએચઓ રાજેશ પણ હાજર હતા.
કેવી રીતે મચી નાસભાગ: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં કર્મચારી તૈનાત કરવામાં આવ્યા હતા. રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે લગભગ 1500-1600 લોકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. આયોજકો અને VIP ના પરિવારોને સમાવવા માટે મુખ્ય સ્ટેજની નજીક એક ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ લાકડા અને લોખંડની ફ્રેમથી બનેલું હતું. લગભગ 12.30 વાગ્યે, એલિવેટેડ પ્લેટફોર્મ નીચે તરફ નમ્યું. કારણ કે આ પ્લેટફોર્મ પર બેઠેલા અને ઊભેલા લોકોનું વજન સહી શક્યુ નહીં અને સ્ટેજ તૂટી પડ્યું. સ્ટેજ નીચે બેઠેલા કેટલાંક લોકો ઘાયલ થયા હતા.
એક મહિલાનું મોત: તમામ ઘાયલોને એમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં 17 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે અને લગભગ 45 વર્ષના એક મહિલાને જ્યારે મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બે લોકો મૃતકને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયા. મૃતકની ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.