નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને તીસ હજારી કોર્ટના કોમર્શિયલ જજ કાવેરી બાવેજાની નિયુક્તિ કરવામાં આવી છે. જજ એમકે નાગપાલને કોમર્શિયલ જજ તરીકે તીસ હજારી કોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ દિલ્હી હાયર જ્યુડિશિયલ સર્વિસના 27 જજોની ટ્રાન્સફર લિસ્ટમાં એમકે નાગપાલનું નામ ટોચ પર છે.
એમકે નાગપાલ શરૂઆતથી જ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ કેસની સુનાવણી કરી રહ્યા છે. તેમની કોર્ટમાં દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં સીબીઆઈ અને ઈડી સંબંધિત કેસ પેન્ડિંગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ, દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ તેમની કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. એમકે નાગપાલની કોર્ટમાં દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમની પત્ની પૂનમ જૈન વિરુદ્ધ પણ કેસ ચાલી રહ્યો છે. આ જ કેસમાં તાજેતરમાં એમ કે નાગપાલની કોર્ટમાં બીઆરએસ નેતા કે. કવિતા રજૂ થયાં હતાં જેમને કોર્ટે ED કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
દિલ્હી આબકારી નીતિ કેસ ઉપરાંત INX મીડિયા ડીલ અને એરસેલ-મેક્સિસ ડીલ જેવા હાઈ પ્રોફાઈલ કેસોની સુનાવણી પણ એમકે નાગપાલની કોર્ટમાં ચાલી રહી છે. આ કેસમાં કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે. એમકે નાગપાલની આ જ કોર્ટમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર સામે 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં એક મામલાની પણ સુનાવણી ચાલી રહી છે.