તિરુવનંતપુરમ: કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર એક મોટી દૂર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલાં જ ફ્લાઈટ સ્મોક એલાર્મ વાગવા લાગ્યું હતું. ધુમાડો નીકળ્યા બાદ ફ્લાઈટની અંદર બેઠેલા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જો કે તમામ 142 મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના આજે સવારે 10:15 વાગ્યે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મસ્કત માટે રવાના થઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની સુરક્ષા તપાસ દરમિયાન બની હતી. એરપોર્ટ અને એરલાઈન સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેક-ઓફ પહેલા તરત જ પ્લેનને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એરપોર્ટ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે તમામ 142 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, અને ચિંતાનું કોઈ કારણ નથી. નિયમિત સલામતી પ્રક્રિયાના ભાગરૂપે, જ્યારે પ્લેન જમીન પર હતું ત્યારે ધુમાડો જોવા મળ્યો હતો. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સલામતીના ધોરણો અનુસાર પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવી હતી અને ખાતરી આપી હતી કે પ્રી-બોર્ડિંગ સુરક્ષા તપાસ દરમિયાન કોઈ અનિયમિતતા મળી નથી.
પ્લેન ટેક ઓફ કરતા પહેલા ધુમાડો દેખાતો હતો, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આગ ફેલાઈ નથી. વ્યાપક સુરક્ષા નિરીક્ષણ માટે એરક્રાફ્ટને રનવે પરથી હટાવી દેવામાં આવ્યું છે અને નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જ ફ્લાઇટ ફરીથી શરૂ થશે.