ઉત્તરપ્રદેશ : રાહુલ ગાંધીએ રાયબરેલી પહોંચ્યા બાદ હનુમાન મંદિરના દર્શન કર્યા અને બૂથનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રાહુલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થયો હતો. બીજી તરફ મૈનુપુર ગ્રામસભામાં ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપસિંહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. દિનેશે પ્રતાપસિંહે લોકોને હાથ જોડીને મત આપવાની અપીલ કરી, પરંતુ લોકો માન્યા નહીં.
રાહુલ ગાંધીનો ચૂંટણી પ્રચાર : કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ રાયબરેલીના ચુરુઆ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે મંદિર પરિસરમાં મહિલાઓ સાથે વાત કરી અને બાળકો સાથે ગમ્મત કરી હતી. રાહુલ ગાંધીને આવેલા જોઈને લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. આ પછી રાહુલ ગાંધીનો કાફલો બછરાવાના ગાંધી ઇન્ટર કોલેજ બૂથ પર પહોંચ્યો હતો. અહીં તેમણે પોલિંગ એજન્ટો સાથે વાત કરી હતી. અહીં પણ રાહુલે કાર્યકરો સાથે ફોટા પડાવ્યા હતા. બાદમાં તેઓ હરચંદપુર વિસ્તાર તરફ રવાના થયા. ગાંધી ઇન્ટર કોલેજ બુથ સામે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થયો હતા. આ સાથે ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
ભાજપ ઉમેદવારને પણ ભારે પડ્યું : આ સાથે જ ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. મિલ એરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની મૈનુપુર ગ્રામસભામાં પહોંચેલા ભાજપના દિનેશ પ્રતાપસિંહે ગ્રામજનોને હાથ જોડીને મત આપવા વિનંતી કરતા લોકોને કહ્યું કે, અમે તમારી સમસ્યાનો બહુ જલ્દી ઉકેલ લાવીશું પણ તમે લોકો મતદાન કરો. જોકે, ગામમાં રોડની માંગણી સાથે મતદાનનો બહિષ્કાર કરનારા લોકો માન્યા નહોતા.