નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂક સંબંધિત નવા કાયદાના અમલીકરણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. નવા કાયદામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો માટે એક સમિતિ દ્વારા નિમણૂક કરવાની જોગવાઈ છે જેમાં મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવશે નહીં.
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે એક NGO 'એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રને નોટિસ જારી કરી હતી અને આ જ વિષય પર પડતર અન્ય અરજીઓ સાથે એપ્રિલમાં સુનાવણી માટે અરજી પોસ્ટ કરી હતી. આ અરજી મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023ની બંધારણીય માન્યતાને પડકારે છે.
એનજીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ કાયદો સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચના નિર્ણયની વિરુદ્ધ છે, જેણે નિર્દેશ આપ્યો હતો કે CJI એ સમિતિનો ભાગ હશે જે CEC અને ECની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે બે ચૂંટણી કમિશનર નિવૃત્ત થવાના છે અને જો કાયદાના અમલ પર સ્ટે નહીં મુકાય તો અરજી અર્થહીન બની જશે.
ભૂષણે કાયદાના અમલીકરણ પર વચગાળાના સ્ટેનો આગ્રહ કર્યો ત્યારે બેન્ચે કહ્યું, 'માફ કરશો, અમે તમને આ મામલે વચગાળાની રાહત આપી શકીએ નહીં. બંધારણીય માન્યતાની બાબત ક્યારેય અર્થહીન હોતી નથી. અમે વચગાળાની રાહત આપવા માટેના અમારા ધોરણો જાણીએ છીએ.