નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અબ્બાસ અંસારીને તેમના પિતા મુખ્તાર અંસારીની યાદમાં 10 એપ્રિલે યોજાનાર 'ફાતિહા' સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. મુખ્તાર અંસારીનું તાજેતરમાં બંધ જેલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જ્યારે અબ્બાસ અંસારી મઉ જેલમાં બંધ છે.
મુખ્તાર અંસારીની યાદમાં ફાતિહા : સુપ્રીમ કોર્ટે અબ્બાસ અન્સારીને પોલીસ કસ્ટડીમાં પૂરતી સુરક્ષા સાથે કાસગંજ જેલમાંથી તેના વતન ગાઝીપુર લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યાં અબ્બાસ પોતાના પિતા મુખ્તાર અંસારીના ફાતિહામાં શામેલ થઈ શકશે. ઉપરાંત 11 અને 12 એપ્રિલના રોજ પરિવારને મળવાની મંજૂરી પણ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર અબ્બાસ અંસારીને 13 એપ્રિલ સુધીમાં કાસગંજ જેલમાં પરત લાવવામાં આવશે.
અબ્બાસ અન્સારીની અરજી : અબ્બાસ અન્સારીના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં વિનંતી કરી હતી કે તેમના અસીલને પરિવારના શોકમાં હાજરી આપવા અને તેમને થોડા દિવસ તેમની સાથે રહેવાની મંજૂરી સાથે વચગાળાના જામીન આપવામાં આવે. ત્યારબાદ તે જેલમાં પરત આવી જશે.
સરકારી વકીલ દ્વારા વિરોધ : જસ્ટિસ સૂર્યકાન્ત અને કે. વી. વિશ્વનાથની બેંચ સમક્ષ અંસારીની અરજીનો ઉગ્ર વિરોધ કરતા UP સરકારના વકીલ ગરિમા પ્રસાદે કહ્યું કે તે જઘન્ય ગુનાઓ માટે જેલના સળિયા પાછળ છે. રાજ્ય સરકાર પાસે 10 એપ્રિલના રોજ નિર્ધારિત કોઈપણ ધાર્મિક કાર્યક્રમની કોઈ માહિતી નથી.
કોણ છે મુખ્તાર અંસારી ? મઉ સદર મતવિસ્તારના પાંચ વખતના ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરુદ્ધ 60થી વધુ ગુનાહિત કેસ હતા. ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીનું 28 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના બાંદાની હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
મુખ્તાર અંસારીની દફનવિધિ : 30 માર્ચના રોજ મુખ્તાર અંસારીને ગાઝીપુરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દફનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ તેની અંતિમયાત્રામાં ભાગ લીધો હતો. ફોજદારી કેસના સંબંધમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા અબ્બાસ અન્સારીએ તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.