રાઉરકેલા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે રાઉરકેલાના વેદવ્યાસ મંદિરમાં પ્રાર્થના અને પૂજા અર્ચના કરી. ત્યારબાદ તેમણે ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ કરી. રાહુલ ગાંધી સાથે AICC પ્રભારી અજોય કુમાર અને OPCC પ્રમુખ શરત પટનાયક પણ જોડાયા હતા.
મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી શોભાયાત્રામાં જોડાયા હતા. ઉદિતનગરથી પાનપોશ ચોક તરફ આ શોભાયાત્રા જઈ રહી હતી ત્યારે પાનપોશ ચોક ખાતે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે બીજેડી સરકાર અને ભાજપ પર વાકપ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ઓડિશામાં બીજેપી અને બીજુ જનતા દળ (બીજેડી) વચ્ચે મીલીભગત છે. કોંગ્રેસ જનતાના કલ્યાણ માટે આ ગઠબંધનનો વિરોધ કરી રહી છે. રાહુલે કહ્યું, 'તમે જાણો છો કે અહીં નવીન પટનાયક અને પીએમ મોદીની સંયુક્ત સરકાર છે. આ બંનેએ હાથ મિલાવ્યા છે અને સાથે મળીને કામ કર્યુ છે.
રાહુલે કહ્યું કે, બીજેડી પાર્ટી ભાજપને સમર્થન આપે છે. આ પાર્ટી ભાજપના ઈશારે કોંગ્રેસને હેરાન કરે છે. રાહુલે દાવો કર્યો હતો કે ઓડિશાના લોકો માટે બીજેડી-ભાજપ ગઠબંધનનો વિરોધ કરતી એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે. તેણે કહ્યું, હું ઓડિશામાં નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું.
ઓડિશામાં બીજેડી સરકાર પર વાકપ્રહાર કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, રાજ્યના 30 લાખ લોકો આજીવિકાની શોધમાં અન્ય રાજ્યોમાં વિસ્થાપિત થયા છે કારણ કે રાજ્ય સરકાર બેરોજગારો માટે કામ કરી રહી નથી. તેમણે કહ્યું, 30 લાખ લોકો તેમની આજીવિકા માટે અન્ય રાજ્યોમાં વિસ્થાપિત થયા છે જ્યારે ઓડિશાની બહારના 30 કરોડપતિઓ રાજ્યની સંપત્તિ લૂંટવા માટે અહીં આવ્યા છે.
રાહુલે કહ્યું કે ઓડિશામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ છે, પરંતુ સરકાર રાજ્યના દલિતોની સાથે તેમની પણ ઉપેક્ષા કરી રહી છે. તેમણે કહ્યું, હું અહીં તમારી 'મન કી બાત' છ-સાત કલાક સાંભળવા આવ્યો છું અને માત્ર 15 મિનિટ માટે જ મારા વિચારો રજૂ કરીશ. તેમણે કહ્યું કે, ઓડિશામાં સૌથી મોટી સમસ્યા બેરોજગારીની છે કારણ કે ઉદ્યોગો યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી.
રાહુલનો રાણીબંધના બિરસા મુંડા મેદાનમાં લંચ બ્રેક લીધા બાદ વધુ બે જાહેર સભાઓમાં હાજરી આપશે. આ પછી તેઓ રાણીબંધથી ફરી યાત્રા શરૂ કરશે અને રાજગંગ પુરમાં જનસભાને સંબોધશે. તે સુંદરગઢ શહેરના બસ સ્ટેન્ડ ચોકથી એસબીઆઈ ચોક સુધી 1 કિમીની પદયાત્રા કરશે.
જે બાદ તેઓ ઝારસુગુડાના અમલીપાલી મેદાનમાં રાત્રિ રોકાણ અગાઉ અન્ય એક જાહેર સભાને સંબોધશે. આવતીકાલ ગુરુવારે કોંગ્રેસ સાંસદ ઝારસુગુડાના જૂના બસ સ્ટેન્ડથી તેમની યાત્રા ફરી શરૂ કરશે. ત્યારબાદ ઝારસુગુડાના કનકટોરાથી યાત્રા છત્તીસગઢમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા મંગળવારે ઓડિશામાં પ્રવેશી હતી. આ યાત્રા ઝારખંડથી ઓડિશામાં સુંદરગઢ જિલ્લાના બિરમિત્રપુર ખાતે પ્રવેશી હતી.