મુંબઈ : મનોરંજન જગતે વધુ એક સિતારો ગુમાવ્યો છે. ગત મંગળવારના રોજ લોકપ્રિય ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યારે હવે રેડિયોના અવાજ સમા અમીન સયાનીના નિધનના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરી મંગળવારના રોજ અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર આજે 21મી ફેબ્રુઆરીએ તેમના પુત્ર રઝીલ સયાનીએ આપ્યા હતા. અમીન સયાની રેડિયો 'સિલોન' અને 'ગીતમાલા' ના પ્રસ્તુતકર્તા તરીકે જાણીતા હતા અને રહેશે.
આવતીકાલે અંતિમ સંસ્કાર : રઝીલ સયાનીએ જણાવ્યું કે તેમના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. અમીન સયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે ગુરુવારે મુંબઈમાં કરવામાં આવશે.
અમીન સયાની : રેડિયોના ગુંજતા અવાજ સમાન અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932 ના રોજ થયો હતો. અમીન સયાનીનું નામ દેશના દરેક ઘરમાં ફેમસ છે. પોતાના જાદુઈ અવાજથી લાખો ચાહકોનો પ્રેમ જીતનાર અમીન સયાની હવે બધાને શાંત કરીને ત્યાંથી ચાલ્યા ગયા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત અંગ્રેજી ભાષાના પ્રસારણકર્તા તરીકે કરી હતી. તે જ સમયે દેશની આઝાદી પછી તેમણે હિન્દી ભાષામાં પોતાની અવાજનો જાદુ ફેલાવ્યો હતો.
છ દાયકાથી ગુંજતો અવાજ શાંત થયો : પોતાના અવાજના દમ પર અમીન સયાની જોતજોતામાં દેશના સ્ટાર બની ગયા. તેમણે ઘણી હિન્દી ફિલ્મો માટે પણ પોતાનો અવાજ આપ્યો હતો. અમીન સયાની તેમની 'બહેનો અને ભાઈઓ' બોલવાની શૈલીના કારણે આજે પણ લોકોના મનમાં જીવંત છે. તેમણે લગભગ 6 દાયકા સુધી 54 હજારથી વધુ રેડિયો કાર્યક્રમ અને 19 હજારથી વધુ જિંગલ અને જાહેરાતોમાં પોતાનો અવાજ આપ્યો છે. ઉપરાંત તેમણે ઘણી ફિલ્મોમાં નાના રોલ પણ કર્યા છે.