મેંગાલુરુ (કર્ણાટક): અભિનેતા પ્રકાશ રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરી રીતે વાકપ્રહાર કર્યો છે. પ્રકાશ રાજે કહ્યું કે, લોકોને મૂર્ખ બનાવવા માટે સૌથી મહાન અભિનેતા આપણા દેશના નેતા છે. તે 2019માં એક ગુફામાં ગયા હતા. હવે તેમણે કેમેરા પકડીને દરિયામાં ડૂબકી લગાવી છે. આગામી ચૂંટણી સંદર્ભે ચંદ્ર પર પણ ઊભા રહેશે. પ્રકાશ રાજે મેંગાલુરુના થોક્કોટ્ટુના યુનિટી મેદાન પર DYFI 12મી સ્ટેટ કોન્ફરન્સમાં સંબોધન આપ્યું હતું. આ સંબોધન દરમિયાન અભિનેતાએ વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
ઉપવાસ મુદ્દે ટીકા કરીઃ પ્રકાશ રાજે વડાપ્રધાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે કરેલ ઉપવાસની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, પહેલાં એવા નેતાઓ હતા જેઓ આઝાદી માટે ઉપવાસ કરતા હતા. હવે એક એવા નેતા છે જે મંદિરના ઉદ્ઘાટન માટે ઉપવાસ કરે છે. તે દિવસમાં 5 વખત કપડાં બદલે છે. તે એક મોટું લાઉડ સ્પીકર છે. વંદે ભારત ટ્રેનને આ નેતાએ એટલીવાર ફ્લેગ ઓફ કર્યુ છે જેટલીવાર રેલવે સ્ટેશન માસ્ટરે પણ કર્યુ નથી.
દેશને થતી ઈજા પર હું બોલીશઃ પ્રકાશ રાજે કહ્યું કે, એક કલાકાર તરીકે બોલવાની મારી જવાબદારી છે. જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે મારે ઊભા રહેવું પડે છે. શરીરને થતી ઈજા મૌન રહીએ તો મટી શકે છે પરંતુ દેશની ઈજા જેટલા મૌન રહીશું તેટલી વધતી જશે. આખો સમાજ શાંત હોય ત્યારે એક કલાકાર પણ મૌન રહે છે. લોકશાહીમાં સંવેદનશીલતા હોવી જોઈએ.
વેધક સવાલઃ પ્રકાશ રાજે કહ્યું કે, દેશમાં RSS અને BJP જેવી બીજી કોઈ અપહરણ કર્તાની ટોળકી નથી. તેઓ રામ મંદિર, મસ્જિદ, હિંદુત્વ વગેરે વિશે વાત કરે છે. તમે જમીન કેટલી ખોદશો કે તમને હડપ્પા, મોહેંજોદડોના અવશેષ મળી શકે? શું તમે પથ્થર યુગમાં પરત ફરવા માંગો છો? આવા વેધક સવાલ પ્રકાશ રાજે કર્યા હતા.
હિન્દુ રાષ્ટ્રઃ પ્રકાશ રાજે કહ્યું, મુસ્લિમ દેશમાં પેટ્રોલ મળે છે. શું તમે બળદ ગાડામાં એમ કહીને જાઓ છો કે તમને પેટ્રોલ નથી જોઈતું? જો તેઓ આ વખતે જીતશે તો તેઓ વધુ શરમ અને પ્રતિષ્ઠા ગુમાવશે. એક હિંદુ રાષ્ટ્રની રચના માટે વાંદરા બનાવવામાં આવે છે. એકવાર તે હિંદુ રાષ્ટ્ર બનશે પછી ફરીથી જાતિ પ્રથા શરૂ કરી દેવામાં આવશે.
બનાવટી ડીગ્રી મુદ્દે વાકપ્રહારઃ પ્રકાશ રાજે વડાપ્રધાનનું નામ લીધા વિના તેમની બનાવટી ડીગ્રી પર ટીકા કરી હતી. અભિનેતાએ કહ્યું કે, બનાવટી ડીગ્રી લઈને ફરતો માણસ બધી સમસ્યાઓ વિશે કેવી રીતે જાણી શકે ? 4થી 5 યુવક-યુવતીઓએ સંસદ પર હુમલો કર્યો. આપણે વિચારવું પડશે કે આ યુવાનોએ આવું કેમ કર્યુ ? યુવાનો કહી રહ્યા છે કે બેરોજગારીની સમસ્યા છે. જ્યારે હું બાળક હતો, મને ખબર નહોતી કે મેંગાલુરુ આવું બનશે. કેટલા યુવાનો જેલમાં સડી રહ્યા છે. શું હંગામો મચાવનારા લોકોના પ્રતિનિધિના બાળકો જેલમાં છે? આવો વેધક સવાલ પ્રકાશ રાજે કર્યો હતો.