નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'આજે 100થી વધુ દેશોમાંથી 3000 થી વધુ પ્રદર્શકો, 3,000 ખરીદદારો અને 40,000 વેપારી મુલાકાતીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એકઠા થયા છે. આ પ્રોગ્રામ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો માટે તેમના વિચારોને મળવા અને શેર કરવા માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતમાં આયોજિત સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઈલ ઈવેન્ટ્સમાંના એક ભારત ટેક્સ-2024ને ખુલ્લો મૂક્યો છે. સોમવારથી ગુરુવાર દરમિયાન ભારત ટેક્સ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ભારત વિશ્વમાં કપાસ, જ્યુટ અને સિલ્કના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે. લાખો ખેડૂતો આ કામમાં જોડાયેલા છે. આજે સરકાર લાખો કપાસના ખેડૂતોને મદદ કરી રહી છે, તેમની પાસેથી લાખો ક્વિન્ટલ કપાસની ખરીદી કરી રહી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કસ્તુરી કોટન ભારતની પોતાની ઓળખ બનાવવાની દિશામાં એક મોટું પગલું બનવા જઈ રહ્યું છે...વડાપ્રધાન નરેન્દ્ર મોદી
65થી વધુ જ્ઞાન સત્રો યોજાશે વડાપ્રધાન કાર્યાલય દ્વારા રવિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે. ચાર દિવસીય ટેક્સટાઈલ ઈવેન્ટમાં 100 થી વધુ દેશો ભાગ લેશે, જે ભારતમાં આયોજિત થનારી અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક ટેક્સટાઈલ ઈવેન્ટમાંની એક ગણાય છે. આ ઇવેન્ટમાં 100 થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ સાથે 65 થી વધુ જ્ઞાન સત્રો યોજાશે જે ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે.
વેપાર અને રોકાણના બે સ્તંભો પર આયોજિત : આ ઇવેન્ટ ફાર્મ, ફાઈબર ફેબ્રિક અને ફેશન ફોકસ દ્વારા વિદેશી દેશોમાં સંકલિત પ્રવેશને પ્રોત્સાહન આપે છે. ઈન્ડિયા ટેક્સ ટેક્સટાઈલ સેક્ટરમાં દેશની તાકાતનું પ્રદર્શન કરશે અને વૈશ્વિક ટેક્સટાઈલ સુપરપાવર તરીકે તેની સ્થિતિની પુનઃ પુષ્ટિ કરશે. 11 ટેક્સટાઇલ નિકાસ પ્રમોશન કાઉન્સિલના કન્સોર્ટિયમ દ્વારા આયોજિત અને કેન્દ્ર દ્વારા સમર્થિત ભારત ટેક્સ 2024 ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને વેપાર અને રોકાણના બે સ્તંભો પર આયોજિત કરવામાં આવી છે.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચા : ચાર દિવસીય કાર્યક્રમમાં 65 થી વધુ જ્ઞાન સત્રો થશે. જેમાં 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ આ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમાં સમર્પિત પેવેલિયન હશે. જેમાં ભારતીય ટેક્સટાઇલ હેરિટેજ, વૈશ્વિક ડિઝાઇન, તેમજ ઇન્ટરેક્ટિવ ફેબ્રિક પરીક્ષણ ક્ષેત્રો અને ઉત્પાદન પ્રદર્શન જેવી વિવિધ થીમ પર ફેશન પ્રસ્તુતિઓનો સમાવેશ થશે.
કઇ કઇ પ્રવૃત્તિઓ થશે : ભારત ટેક્સ 2024માં ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઈઓ ઉપરાંત વિદ્યાર્થીઓ, વણકર, કારીગરો અને કાપડ કામદારોનો સમાવેશ થશે. 3,500 થી વધુ પ્રદર્શકો, 100 થી વધુ દેશોના 3,000 થી વધુ ખરીદદારો અને 40,000 થી વધુ વેપાર મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ઇવેન્ટ દરમિયાન 50થી વધુ ઘોષણાઓ અને એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેનાથી ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ અને વેપારને વધુ પ્રોત્સાહન મળશે અને નિકાસ વધારવામાં મદદ મળશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વડાપ્રધાનના વિઝનને આગળ વધારવાની દિશામાં આ એક બીજું મહત્વનું પગલું હશે.