પટનાઃ બુધવારે પટના હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપી પતિને સીધા જ કોર્ટમાંથી ધરપકડ કરીને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહ મોહમ્મદ ઇર્શાદ કુરેશીની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન માત્ર એક કરાર નથી, પરંતુ તેનાથી પણ વધુ તે પતિપત્ની વચ્ચેનું પવિત્ર, આધ્યાત્મિક અને કિંમતી ભાવનાત્મક જોડાણ છે.
છૂટાછેડા વિના બીજા લગ્ન કર્યા હતા: તેની પ્રથમ પત્નીએ બેતિયા કોર્ટમાં ઇર્શાદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ છૂટાછેડા આપ્યા વિના અને તેની સંમતિ વિરુદ્ધ બીજી વખત લગ્ન કર્યા હતા. જે બાદ તેને ઘરમાંથી કાઢી પણ મૂકી છે.
પત્ની સાથે સમાધાનના પ્રયાસો નિષ્ફળ : આરોપી પતિના આગોતરા જામીનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સમગ્ર મામલાની સુનાવણી કરીને નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વારંવાર આરોપી પતિ અને તેની પ્રથમ પત્નીને સમાધાન માટે બોલાવ્યા પરંતુ ઈર્શાદ મોટેબાગે વાત કરવાથી ભાગતો રહ્યો હતો.
કોર્ટે આરોપી પતિને જેલમાં મોકલ્યોઃ 24 એપ્રિલે કોર્ટે પશ્ચિમ ચંપારણના એસપીને આરોપી ઈર્શાદને હાઈકોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ગત 3 મેના રોજ જ્યારે ઈર્શાદ હાઈકોર્ટમાં હાજર થયો ત્યારે તેણે કોર્ટની અંદર બૂમો પાડીને તેની પહેલી પત્ની પર કોઈ પુરાવા દર્શાવ્યા વિના ગેરવર્તનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં તેની પહેલી પત્ની સાથે નહીં રહે. ઇર્શાદની વર્તણૂક પર આશ્ચર્ય વ્યક્ત કરતાં કોર્ટે તેને કોર્ટમાંથી જ સીધો જેલમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.