નવી દિલ્હી: આજ રોજ એટલે કે 20 જુલાઇના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET (UG)-2024નું પરિણામ જાહેર કર્યું છે. NTAએ શનિવારે જાહેર કરેલ નોટિસમાં જણાવ્યું હતું કે, 'પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ઉમેદવારોની ઓળખ જાહેર કર્યા વિના પરિણામ ઉમેદવારો દ્વારા મેળવેલા રાજ્ય, શહેર અને કેન્દ્ર મુજબના ગુણના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
વેબસાઇટ પર નવીનતમ અપડેટ્સ: તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ તેમની સત્તાવાર વેબસાઇટ પર તેમના માર્કસ અને પરીક્ષા સંબંધિત નવીનતમ અપડેટ્સ ચકાસી શકે છે.
પુનઃપરીક્ષાનું પરિણામ: ડબલ્યુ.પી. (સિવિલ) નંબર 368/2024માં 13 જૂન, 2024ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, 1563 ઉમેદવારો માટે 23 જૂન, 2024ના રોજ બપોરે 2.00 થી 5.20 વાગ્યા સુધી પુનઃપરીક્ષા લેવામાં આવી હતી, જેમાંથી કુલ 813 ઉમેદવારોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, NEET (UG) – 2024 ની પુનઃપરીક્ષાનું પરિણામ 30 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
રાજ્ય, શહેર, કેન્દ્રના ગુણના આધારે પરિણામ જાહેર: ડબલ્યુ.પી. (સિવિલ) નંબર 335/2024માં 18 જુલાઈ, 2024ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, NTA એ NEET (UG)-2024 નું પરિણામ પ્રકાશિત કર્યું છે. જેમાં NTA તરફથી જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું કે, ઉમેદવારોની ઓળખ જાહેર કર્યા વિના ઉમેદવારો દ્વારા મેળવેલા રાજ્ય, શહેર અને કેન્દ્રના ગુણના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી: (UG)-2024 નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મે, 2024ના રોજ 571 શહેરોમાં (વિદેશના 14 શહેરો સહિત) 4750 કેન્દ્રો પર 24 લાખથી વધુ ઉમેદવારો માટે યોજવામાં આવી હતી. NEET (UG)-2024નું પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.