હલ્દવાની: ગુરૂવારે હલ્દવાનીના બનભૂલપુરામાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે મસ્જિદ અને મદરેસાના દબાણને હટાવવાને લઈને ભારે હંગામો સર્જાયો હતો. આ બબાલે જોત-જોતામાં હિંસક રૂપ ધારણ કર્યું અને લોકો અને પોલીસ-પ્રશાસન વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં પોલીસ પર પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ગોળીબાર કરવાના આદેશ જારી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ ગોળીબારમાં પિતા-પુત્ર સહિત ત્રણ તોફાનીઓના મોત થયા હતાં, જ્યારે ઘણા પ્રદર્શનઓ ઘાયલ થયા હતા. પથ્થરમારો અને આગચંપીની ઘટનામાં પોલીસ, પ્રશાસન અને મીડિયાકર્મીઓ સહિત 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગોળીબાર કરવાનો આદેશ: સ્થિતિ વણસતા અને વધતી અંધાધૂંધી જોતા વહીવટીતંત્રે મોડી સાંજે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે જિલ્લા પ્રશાસને શહેરમાં કર્ફ્યુ લાદી દીધો છે. તોફાનીઓએ બાનભૂલપુરા પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન 70થી વધુ વાહનો સળગાવવામાં આવ્યા હતા જ્યારે અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાનભૂલપુરા પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં ઘણા વર્ષો જૂના રેકોર્ડ પણ બળીને રાખ થઈ ગયા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર હલ્દવાનીમાં હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પોલીસકર્મીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહિત 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ પણ મોડી રાત્રે પહોંચી ગઈ છે. હાલ સ્થિતિ સામાન્ય છે. પોલીસ પથ્થરબાજોને પકડવા માટે કેટલાંક ઘરોમાં તપાસ કરી, ધાબાઓ પર તપાસ કરવામાં આવી, મનપાના કર્મચારીઓની મદદથી કેટલાંક ઘરોના દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસકર્મીઓ ઘરોમાં ઘૂસીને પથ્થરબાજોને પકડીને લઈ જઈ રહી હતી ત્યારે ઉપદ્રવીઓએ તેમને છોડાવી લીધા. આ હંગામામાં 70થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા છે.
જાણો સમગ્ર ઘટનાક્રમ: હલ્દવાનીના મુસ્લિમ બહુમતી ધરાવતા બનભૂલપુરા વિસ્તારમાં મલિકના બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે એક મસ્જિદ અને મદરેસા ચાલી રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશને મદરેસા અને મસ્જિદ સંચાલકોને નોટિસ પાઠવી હતી અને તેમને ખાલી કરવા સૂચના આપી હતી. પરંતુ તેઓએ ખાલી ન કરતા ગુરુવારે પોલીસ-વહીવટી તંત્રની ટીમ ભારે પોલીસ ફોર્સ અને જેસીબી મશીન સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો અને પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને મીડિયાકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ, જિલ્લા પ્રશાસનના લોકો અને મીડિયાકર્મીઓ ઘાયલ થયા અને ત્યાર બાદ હિંસક ઘર્ષણ સર્જાયું હતું.
- 03:00 વાગ્યે, ગેરકાયદે બનાવેલ અતિક્રમણ હટાવવા માટે બનભૂલપુરા પોલીસ સ્ટેશન પાસે એકત્ર થવા લાગી. અતિક્રમણ હટાવવા માટે ટીમ પોલીસ ફોર્સ સાથે રવાના થઈ હતી.
- 04:25 વાગ્યે ટીમ મલિકના બગીચામાં પહોંચી અને 4:40 વાગ્યે લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું.
- 04:50 વાગ્યે ઉપદ્રવીઓએ જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો અને હંગામો શરૂ કર્યો અને સ્થાનિક લોકોએ શેરીઓ અને છત પરથી પથ્થરમારો શરૂ કર્યો.
- 05:00 વાગ્યે અતિક્રમણ તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી. પથ્થરમારો જોઈને પોલીસ પ્રશાસને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
- 05:20 વાગ્યે ઉપદ્રવીઓએ મીડિયા કર્મચારીઓના વાહનોને આગ લગાવીને રોડ બ્લોક કરી દીધો હતો.
- 05:50 વાગ્યે પરિસ્થિતિ કાબૂ બહાર થવા લાગી અને મોટી સંખ્યામાં ઉપદ્રવીઓએ પોલીસ પર હુમલો કર્યો. જેમાં અનેક પોલીસકર્મીઓ અને જિલ્લા પ્રશાસનના લોકો ઘાયલ થયા હતા.
- સાંજે 6:30 વાગ્યે ઉપદ્રવીઓએ બનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી.
- 07:30 વાગ્યે સીએમ એક બેઠક બોલાવીને ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી.
- 07:45 જિલ્લા વહીવટીતંત્રે શહેરમાં કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદી દીધો.
- 08:55 વાગ્યે તોફાનીઓએ ફરી હંગામો શરૂ કર્યો. ત્યાર બાદ પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. આ દરમિયાન ઘણા લોકોને ગોળી વાગી હતી અને ઘાયલોને સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ ઉપદ્રવીઓના મોત નિપજ્યા હતા. જ્યારે પોલીસ સહિત 300 જેટલા લોકો ઘાયલ થયા છે. અર્ધલશ્કરી દળની ટીમે હાલમાં રમખાણો પર કાબૂ મેળવ્યો છે.