નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ અને ભ્રષ્ટાચાર તેમજ મની લોન્ડરિંગના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે નિર્ણય લેવામાં આવ્યો અને તેમને જામીન મળ્યા. સીબીઆઈ અને ઈડી દ્વારા સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલા કેસમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યો હતો.
મનીષ સિસોદિયાને રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની રચનામાં તેમની સંડોવણી અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી.
સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી અનિયમિતતા કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે: સિસોદિયાના વકીલ
મનીષ સિસોદિયાને જામીન મળતા આપ કાર્યકરોમાં ખુશીનો માહોલ, કાર્યકર્તાઓએ એક-બીજાનું મોઢું મીઠું કરાવીને આ સુપ્રીમકોર્ટના ચુકાદાને વધાવ્યો
સંજય સિંહે સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ: AAP સાંસદા સંજય સિંહે કહ્યું, "આપ અને દિલ્હીના લોકો માટે આ એક મોટી રાહત છે. અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન માટે ન્યાયનો માર્ગ ટૂંક સમયમાં ખુલશે. મનીષ સિસોદિયાના વેડફાયેલા 17 મહિનાનો હિસાબ કોણ આપશે ? સિસોદિયાના જે 17 મહિના બરબાદ થયા એનો હિસાબ શું દિલ્હીના બાળકોને આપી શકાશે ? મનીષ સિસોદિયાના ઘરેથી એક પણ રૂપિયો મળી આવ્યો નથી છતાં તમે તેને 17 મહિના સુધી જેલમાં રાખ્યા હતા.
2023થી સિસોદીયા ED અને CBIની ગિરફ્તમાં
મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 26 ફેબ્રુઆરી 2023થી કસ્ટડીમાં છે.
સીબીઆઈએ 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ સિસોદિયાની દિલ્હી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 9 માર્ચ, 2023ના રોજ તેમની ધરપકડ કરી હતી.
મનીષ સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.
ED અને CBIએ કર્યો હતો વિરોધ
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી સિસોદિયાએ જામીનની વિનંતી કરતા દલીલ કરી છે કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે, અને તેમની સામેના કેસની સુનાવણી હજુ શરૂ થઈ નથી. ED અને CBIએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે એજન્સી પાસે એવા દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં સિસોદિયાની ઊંડી સંડોવણી છે.