રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): સોમવારે મોડી સાંજે કેદારનાથ હાઇવે પર સોનપ્રયાગથી લગભગ એક કિમી દૂર ગૌરીકુંડ તરફ ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ આવતા કેટલાંક મુસાફરો કાટમાળ નીચે દટાયા હતા.

ગૌરીકુંડમાં ભૂસ્ખલનઃ માહિતી મળતાં જ પોલીસ, પ્રશાસન, SDRF અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન સોમવારે મોડી રાત્રે આ સ્થળેથી ત્રણ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયા હતા. એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

બચાવ કાર્ય શરૂ: ખરાબ હવામાન અને રાત્રે સતત કાટમાળ અને પથ્થરો પડવાના કારણે બચાવ ટીમોને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોખમને જોતા બચાવ કાર્ય અટકાવવું પડ્યું હતું. વાસ્તવમાં જિલ્લા પોલીસ કક્ષાએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાંજે સાડા છ વાગ્યા બાદ આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દુર્ઘટના તે લોકો સાથે થઈ હતી જેઓ આ સમયગાળા પહેલા ગૌરીકુંડથી સોનપ્રયાગ ગયા હતા.

કાટમાળ નીચે દબાયા: મંગળવારે સવારે હવામાન અનુકૂળ થતાં કાટમાળ અને પત્થરો પડવાનું બંધ થતાં બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ ટુકડીઓને આ સ્થળે 3 વ્યક્તિઓ (2 મહિલા અને 1 પુરુષ) બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેમને તબીબોએ મૃત જાહેર કર્યા છે.

5 લોકોના મોતઃ સતત રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન થોડા સમય બાદ રેસ્ક્યુ ટીમને બીજી એક મહિલા બેભાન અવસ્થામાં મળી હતી, જેને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. આ રીતે ગૌરીકુંડ ભૂસ્ખલન અકસ્માતમાં મૃત્યુઆંક 05 પર પહોંચ્યો છે. કાટમાળ નીચે દબાઈને ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.