મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભારત રત્ન પુરસ્કાર માટે રતન ટાટાના નામની દરખાસ્ત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવંગત ઉદ્યોગપતિના નિધન પર શોક વ્યક્ત કરતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે ઉદ્યોગપતિ રતન ટાટાના સન્માનમાં ગુરુવારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર ટાટાનું બુધવારે મુંબઈની એક હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું.
મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટાટાજીના સન્માનમાં 10 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રીય ત્રિરંગો અડધી કાઠીએ લહેરાવવામાં આવશે.
આ વિકાસ એવા સમયે થયો છે, જ્યારે તમામ પક્ષોના નેતાઓ મુંબઈના NCPA લૉન પર પહોંચી રહ્યા છે, જ્યાં રતન ટાટાના પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે.
કેબિનેટે દિવંગત ઉદ્યોગપતિને ભારત રત્ન એનાયત કરવા કેન્દ્રને વિનંતી કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ટાટાને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે કે, ઉદ્યોગસાહસિકતા એ સમાજના વિકાસનો અસરકારક માર્ગ છે. નવા ઉદ્યોગો સ્થાપીને દેશને પ્રગતિ અને વિકાસના માર્ગ પર લઈ જઈ શકાય છે. તે કહે છે કે આ માટે દેશ પ્રત્યેનો પ્રેમ અને સમાજના ઉત્થાન માટે પ્રામાણિક લાગણી પણ જરૂરી છે. આપણે દેશ અને સમાજ માટે પ્રતિબદ્ધ એવા દીર્ઘદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે.
આ પણ વાંચો: