મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર અત્યાચારના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરનો મામલો બેતુલથી સામે આવ્યો છે. જ્યાં એક આદિવાસી યુવકને નગ્ન કરીને ઊંધો લટકાવી પટ્ટા અને ડંડાથી માર મારવામાં આવ્યો હતો. આરોપીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના ત્રણ મહિના બાદ યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કેસ નોંધવામાં આવ્યો છે.. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
3 મહિના જૂની ઘટના હોવાનું કહેવાય છે : 15 નવેમ્બરે રિંકેશ ચૌહાણ નામનો યુવક પીડિતને બેતુલ લઈ આવ્યો હતો. જ્યાં તે યુવકને બેતુલના એક ઘરમાં લઈ ગયો ત્યારે ઘરમાં 6-7 લોકો હાજર હતાં. તેઓએ તેના તમામ કપડાં ઉતારી દીધા અને તેને છત પર ઊંધો લટકાવી દીધો. તે પછી તેઓએ આદિવાસી યુવતને પટ્ટા અને ડંડાથી માર માર્યો અને પછી તેને છોડી દીધો હતો. જે બાદ આદિવાસી યુવક કોઈક રીતે ભાગી ગયો. આદિવાસી યુવકે પોતાને માર મારવાની ફરિયાદ કરી ન હતી. કારણ કે જે લોકો તેને મારતા હતાં તેઓ બદમાશ સ્વભાવના લોકો હતાં અને તે ડરી ગયો હતો. પરંતુ ગામમાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં તેણે હિંમત એકઠી કરી અને આ અંગે ફરિયાદ કરવાનું વિચાર્યું. જે બાદ આદિવાસી યુવક અન્ય એક યુવક સાથે સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે : બેતુલના એસપી સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, " એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવકને નગ્ન કરીને ઊંધો લટકાવવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો." પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ વીડિયો લગભગ ત્રણ મહિના જૂનો છે. આરોપીની શોધ ચાલુ છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે.