ગ્વાલિયર: ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારમાં દુઃખદ સમાચાર ફરી વળ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે નિધન થયું છે. માધવી રાજે સિંધિયાએ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 3 મહિનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ઉપરાંત ઘણા દિવસોથી વેન્ટિલેટર પાર પણ હતા. તેમના પાર્થિવ દેહને દિલ્હીથી ગ્વાલિયર લાવવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દિલ્હી AIIMSમાં સારવાર: ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતાની છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 30 એપ્રિલના રોજ તેમની તબિયત બગડતા તે ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત છે એવી માહિતી મળી.
સિંધિયાએ ચૂંટણી પ્રચાર છોડ્યો: સિંધિયાને ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત દિલ્હી પરત ફરવું પડ્યું હતું. માધવી રાજેની તબિયત ખૂબ જ ગંભીર બની જતા પ્રિયદર્શિની રાજે, જ્યોતિરાદિત્ય અને મહાઆર્યમન સિંધિયા સાથે દિલ્હી પરત ફર્યા હતા. એવું માનવામાં આવતું હતું કે પરિવાર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતો અને તે દરમિયાન પણ તે ચૂંટણી મેદાન અને હોસ્પિટલમાં સતત રહ્યો હતો.
નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ: રાજમાતા વિજયરાજે સિંધિયાની પુત્રવધૂ અને માધવરાજ સિંધિયાની પત્ની માધવી રાજે સિંધિયા નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધિત હતાં. તેમના દાદા શમશેર જંગ બહાદુર નેપાળના વડાપ્રધાન હતાં. લગ્ન પહેલા તેનું નામ રાજકુમારી કિરણ રાજ્ય લક્ષ્મી દેવી હતું. 1966માં માધવરાજ સિંધિયા સાથેના લગ્ન પછી, તેમનું નામ બદલીને માધવી રાજે સિંધિયા રાખવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બર 2001ના રોજ માધવ રાજ સિંધિયાના અવસાન પછી, તેઓ રાજમાતા સિંધિયા તરીકે ઓળખાવા લાગ્યા. રાજનીતિના સિંધિયા પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં, માધવી રાજે ક્યારેય રાજકારણમાં ભાગ લીધો નહીં. જો કે, માધવરાવ સિંધિયાથી લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા સુધી, તે પરિવારની તાકાત બની રહ્યાં. ઘણી વખત તેઓ પ્રચાર માટે જાહેરમાં દેખાયાં હતાં.
સિંધિયા પરિવારને શોક સંદેશ: સિંધિયા રાજવી પરિવારના ભાજપ અને કોંગ્રેસ બંને સાથે સંબંધો છે. આ કારણે દેશના તમામ મોટા પક્ષોના નેતાઓ આ દુઃખની ઘડીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને શોક સંદેશ મોકલી રહ્યા છે. સૌથી પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોશિયલ મીડિયા પોસ્ટ X દ્વારા શોક સંદેશ મોકલ્યો. તે જ સમયે, યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ એસએમએસ દ્વારા સિંધિયાને શોક સંદેશ મોકલ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, પીસીસી અધ્યક્ષ જીતુ પટવારી અને સચિન સુભાષ યાદવે પણ શોક સંદેશ મોકલ્યો.