નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. તારીખોની જાહેરાત દરમિયાન, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 12 રાજ્યોમાં પુરૂષો કરતાં મહિલા મતદારો વધુ છે. દેશમાં 96.8 કરોડ મતદારો છે. જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે. જ્યારે કુલ 47.1 કરોડ મહિલાઓ મતદાર યાદીમાં નોંધાયેલી છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દેશમાં લિંગ ગુણોત્તર દર 1000 પુરુષોએ 948 સ્ત્રીઓ છે. જે ચૂંટણી સંદર્ભે મહિલાઓની ભાગીદારીનો એક સ્વસ્થ સંકેત છે. 12 રાજ્યો એવા છે જ્યાં લિંગ ગુણોત્તર 1000થી વધુ છે. જેનો અર્થ થાય છે કે સ્ત્રી મતદારોની સંખ્યા પુરૂષો કરતા વધુ છે. 1.89 કરોડ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે. જેમાંથી 85.3 લાખ 18 વર્ષની વય જૂથની મહિલા મતદારો છે. આ સંકેત છે કે મહિલાઓ પણ આપણી ચૂંટણીમાં સમાન રીતે ભાગ લઈ રહી છે. જો કે ચૂંટણી પંચે આ 12 રાજ્યોના નામ જાહેર કર્યા ન હતા.
રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી સાત તબક્કામાં યોજાશે. જેના પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. અન્ય તબક્કાઓ 26 એપ્રિલ, 7, 13, 20, 25 મે અને 1 જૂનના રોજ યોજાશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં 19 એપ્રિલે અને આંધ્ર પ્રદેશમાં 13મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન થશે. કુલ 91.2 કરોડ મતદારોમાં અંદાજે 43.8 કરોડ પુરુષ મતદારો અને અંદાજે 47.3 કરોડ મહિલા મતદારો છે.