હૈદરાબાદઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. ત્યારે પરિણામોને લઈને અલગ-અલગ અટકળો કરવામાં આવી રહી છે. પરંપરાગત ફલોદી સટ્ટાબાજીનું બજાર, જે ચૂંટણી પરિણામોના સચોટ અનુમાન માટે પ્રખ્યાત છે, તેણે ચોથા તબક્કાના મતદાન પછી તેના અનુમાનમાં ફેરફાર કર્યો છે. ચાર તબક્કામાં કુલ 543 લોકસભા બેઠકોમાંથી 380 પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ગુજરાતની સુરત લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાં ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવી છે. બાકીના ત્રણ તબક્કામાં માત્ર 163 સીટો પર મતદાન થવાનું છે. સોમવાર, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે.
![ભાજપની બેઠકો વર્તમાન 303ના આંકડાથી ઘટાડી દીધી છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-05-2024/21506856_election.jpg)
- આ વખતે મતદાનની ટકાવારી ઘટવાને કારણે લોકસભાની ચૂંટણીમાં અનપેક્ષિત પરિણામો આવવાની શક્યતા કેટલાક રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. જ્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે, મતદાનની ટકાવારી ઘટવાથી ચૂંટણી પરિણામો પર કોઈ અસર નહીં થાય.
બીજેપી અંગેની આગાહીઓ ઘટાડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે આ વખતે 400 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ અત્યાર સુધી જે વિવિધ અનુમાન સામે આવ્યા છે, તેમાં ભાજપનું આ સપનું પુરુ થાય તેવું જણાતું નથી. રાજસ્થાન સ્થિત ફલોદી સટ્ટા બજારે પણ હવે બીજેપી અંગેની આગાહીઓ ઘટાડી દીધી છે. છેલ્લી સામાન્ય ચૂંટણીની સરખામણીમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાનની ટકાવારીમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, ફલોદી સટ્ટા બજારે તેના અનુમાનમાં ફેરફાર કર્યો છે, અને ભાજપની બેઠકો વર્તમાન 303ના આંકડાથી ઘટાડી દીધી છે.
અનુમાન 296-300 સીટો પર આવી ગયો: ચોથા તબક્કાની ચૂંટણી પહેલા ફલોદી સટ્ટા બજારે ભાજપને 307 થી 310 બેઠકો મળવાની આગાહી કરી હતી. ચોથા તબક્કાના મતદાન બાદ ભાજપ માટે તેનો અનુમાન 296-300 સીટો પર આવી ગયો છે. ફલોદી સટ્ટા બજારના સંશોધિત અનુમાન મુજબ આ વખતે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 329 થી 332 બેઠકો મળી શકે છે.
હાલના અનુમાનમાં કોંગ્રેસને 10 બેઠકોનો ફાયદો: ફલોદી સટ્ટા બજારે તેના અનુમાનમાં ફેરફાર કર્યો હોવા છતાં કોંગ્રેસની બેઠકોમાં કોઈ ખાસ વધારો થયો નથી. ફલોદી સટ્ટાબજારે કોંગ્રેસને 58 થી 62 બેઠકો મળવાની આગાહી કરી છે. જોકે, અગાઉના અનુમાનની સરખામણીએ કોંગ્રેસને 10 બેઠકોનો ફાયદો થતો જણાય છે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ સમાપ્ત થશે, અને 4 જૂને પરિણામ જાહેર થશે.
300 કરોડ રૂપિયાનો સટ્ટો: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફલોદી સટ્ટાબજારમાં અત્યાર સુધીમાં 180 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. અનુમાન મુજબ લોકસભા ચૂંટણીના અંત સુધીમાં આ આંકડો 300 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. રાજસ્થાનના ફલોદીમાં સટ્ટા બજાર સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આ સટ્ટાબાજીનું બજાર નથી, પરંતુ એવું બજાર છે જ્યાં માત્ર અટકળો જ લગાવવામાં આવે છે.