બેંગ્લોર : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે લોકસભા ચૂંટણી દરમિયાન બેંગલોરમાં પોતાનો મત આપ્યો છે. લોકોને પણ મતદાન કરવા વિનંતી કરતા દ્રવિડે કહ્યું કે, દરેક વ્યક્તિએ બહાર આવીને વોટ કરવો જોઈએ. આ લોકશાહીમાં આપણને મળતી તક છે.
અનિલ કુંબલેએ મતદાન કર્યું : રાહુલ દ્રવિડ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલેએ પણ આજે મતદાન કર્યું છે. અનિલ કુંબલેએ બેંગલોરમાં મતદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે અનિલ કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી છે. આ સિવાય 271 વનડે મેચમાં તેના નામે 337 વિકેટ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી છે.
કર્ણાટક રાજ્યની 28 બેઠક : તમને જણાવી દઈએ કે 543 સભ્યોની સંસદમાં કર્ણાટકની 28 બેઠકો છે. બે તબક્કામાં મતદાન થશે, જેમાં આજે 14 બેઠકો પર મતદાન થશે. ઉડુપી ચિકમગલુર, હસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, મંડ્યા, મૈસુર, ચામરાજનગર, બેંગ્લોર ગ્રામીણ, બેંગલોર ઉત્તર, બેંગ્લોર સેન્ટ્રલ, બેંગલોર દક્ષિણ, ચિકબલ્લાપુર, કોલાર છે. કર્ણાટકમાં 2019ની ચૂંટણીમાં ભાજપે 28 માંથી 25 બેઠકો જીતી હતી.
બીજા તબક્કાનું મતદાન : આ વખતે ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે તેની રાજ્ય સહયોગી JDS બાકીની બેઠકો માટે સ્પર્ધા કરી રહી છે. JDS દ્વારા લડવામાં આવેલી ત્રણ બેઠક હસન, મંડ્યા અને કોલાર બીજા તબક્કાનો ભાગ છે. આજે 26 એપ્રિલ, શુક્રવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ 21 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના 102 મતવિસ્તારોમાં થયું હતું. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે.