નવી દિલ્હી : દિલ્હી સરકારે આરોપ લગાવ્યો છે કે લેફ્ટનન્ટ ગવર્નરે સોલાર પોલિસી 2024 પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે સોલાર પોલિસી 2024 તૈયાર કરી હતી. જેમાં ખુદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીના જે લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવશે તેમનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. એટલું જ નહીં લોકો સોલર પેનલ લગાવીને કમાણી પણ કરી શકશે.
દિલ્હી સરકારનો આક્ષેપ : દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે, લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ સોલાર પોલિસી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નીતિને LG દ્વારા પાસ કર્યા વિના લાગુ કરી શકાતી નથી. આમ આદમી પાર્ટી સોલાર પોલિસી પર પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. જે લોકોના હિતમાં હતી. આની મદદથી વીજળીની અછત દૂર કરી શકાય છે.
સીએમ કેજરીવાલની જાહેરાત : 29 જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોલાર પોલિસી 2024 લોન્ચ કરવાની જાણકારી આપતા કહ્યું કે, સોલાર પોલિસી 2016 પછી સોલાર પોલિસી 2024 લાવવામાં આવી છે, જેમાં લોકોને ઘણો ફાયદો થશે. તેમજ દિલ્હીમાં સોલારથી વીજળીનું ઉત્પાદન વધશે. તેનાથી લોકોનું વીજળી બિલ શૂન્ય થઈ જશે અને તેઓ કમાણી પણ કરી શકશે.
હાલમાં દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી મફત છે. ઉપરાંત 400 યુનિટ વીજળીનો વપરાશ કરવા પર વીજળીનું બિલ અડધું આવે છે. 400 યુનિટથી વધુ વીજળીના વપરાશ પર વીજળીનું બિલ પૂરું આવે છે.
સોલાર પોલિસી 2024 : સોલાર પોલિસી 2024 હેઠળ બે લોકો તેમના મકાન પર સોલાર પેનલ્સ સ્થાપિત કરશે. જો તેમની વીજળીનો વપરાશ 400 યુનિટથી ઓછો હશે, તો સોલારથી ઉત્પન્ન થતી વીજળીની રકમ દિલ્હી સરકાર તરફથી પરત કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ 400 યુનિટથી વધુ વીજળી વાપરે છે, તો સોલારથી ઉત્પન્ન થતી વીજળીના યુનિટ જેટલી વીજળીનો વપરાશ ઘટાડી દેવામાં આવશે. જો વધુ વીજળી ઉત્પન્ન થશે તો સરકાર પૈસા આપશે. આ માટે લોકોના ઘરોમાં નેટ મીટર લગાવવામાં આવશે. સોલાર પેનલ લગાવવા પર દિલ્હી સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવશે.
લેફ્ટનન્ટ ગવર્નરે આરોપ નકાર્યા : બીજી તરફ લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દિલ્હી સરકારના આરોપોને નકારી કાઢ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી સરકાર આદતપૂર્વક ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ સોલાર પોલિસી રોકી નથી. પોલિસીમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેનાથી લોકોનું વીજળી બિલ શૂન્ય થઈ જાય. ઉલટું નીતિમાં એવી જોગવાઈ છે કે જેનો લાભ માત્ર ખાનગી વીજ કંપનીઓને જ મળશે. આ જોગવાઈ અંગે વિગતો માંગતા લેફ્ટનન્ટ ગવર્નરે એ પણ પૂછ્યું છે કે, શું આ નીતિમાં ભારત સરકારની હજારો કરોડની કેપીટલ સબસીડીથી ગ્રાહકોને લાભ મળે તે માટે સંકલનની જોગવાઈ છે.