કુવૈત સિટી: કુવૈતમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, કુવૈતમાં આગ લાગવાની દુ:ખદ દુર્ઘટનામાં જીવ ગુમાવેલા ભારતીય શ્રમિકોના પાર્થિવ શરીરને લઈને વાયુસેનાનું એક વિશેષ વિમાન કોચી માટે રવાના થયું છે. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું છે કે ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને કોચી માટે રવાના થયું છે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ વિમાનમાં સવાર છે. માહિતી અનુસાર, તેમણે કુવૈતી સત્તાવાળાઓ સાથે સંકલન કરીને આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે દીશામાં પ્રયાસ કર્યા છે.
બુધવારે અહીં સર્જાયેલી આગની દુર્ઘટનામાં મોતને ભેટલે 45 ભારતીયોમાંથી કેરળના 23 રહેવાસીઓ પણ સામેલ હતા. આ ઘટનાથી કુવૈત અને ભારત બંનેના સમુદાયોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત મૃતકોમાં તામિલનાડુના 7, આંધ્રપ્રદેશના 3, બિહાર, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળમાંથી 1-1 નાગરિકનો સમાવેશ થાય છે.
કુવૈતી સત્તાવાળાઓ આગના કારણની તપાસ કરવા અને અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી શોક વ્યક્ત કરી છે અને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે 13 જૂને કુવૈતની હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મંગફમાં આગની દુ:ખદ ઘટના બાદ સારવાર લઈ રહેલા ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી. તેમની મુલાકાતે વિદેશમાં તેના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી અને કટોકટીના સમયમાં આંતરરાષ્ટ્રીય સહયોગના મહત્વને પ્રકાશિત કર્યું.