તિરુવનંતપુરમ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની દૂર્ઘટનામાં યોગ્ય સહાય ન આપવા બદલ રાજ્યના મહેસૂલ મંત્રી કે રાજને કેન્દ્ર સરકારની ટીકા કરી છે. મહેસૂલ મંત્રી કે રાજને કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રએ ચુરલમાલા માટે એક પણ રૂપિયો નથી આપ્યો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રએ કેરળ સાથે દુશ્મન જેવું વર્તન ન કરવું જોઈએ, બંને એક જ બંધારણનો ભાગ છે. કેન્દ્રએ પણ આપત્તિના કિસ્સામાં રાજ્યના સંરક્ષક દેવદૂત તરીકે કામ કરવું જોઈએ.
કેન્દ્ર તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ભૂસ્ખલન સંબંધિત તમામ વિગતો રજૂ કરી છે. આવી સ્થિતિમાં, જો આપવામાં આવેલા ડેટામાં કોઈ સમસ્યા હોય, તો કેન્દ્રએ લેખિતમાં જાણ કરવી જોઈએ. અમને હજુ સુધી એવી કોઈ માહિતી મળી નથી કે કેરળ સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટામાં કોઈ ભૂલ છે.
કેન્દ્ર પાસે માગી વાયનાડ ભૂસ્ખલન હોનારત માટે મદદ
મંત્રીએ એ પણ ધ્યાન દોર્યું હતું કે કેરળ દ્વારા સબમિટ કરવામાં આવેલા આંકડાની તપાસ કર્યા પછી તે કેટલું પ્રદાન કરી શકે છે, તે અંગેના આંકડાઓની વિગતો કેન્દ્રએ પ્રદાન કરી નથી. રાજ્યએ ભૂસ્ખલનથી થયેલા નુકસાનનો ડેટા કોઈ પણ જાતની બાદબાકી વિના કેન્દ્રને સોંપ્યો હતો. બાદમાં, રાજ્યએ પણ ધોરણો મુજબ કેન્દ્રને આપત્તિ પછીની જરૂરિયાતોનું મૂલ્યાંકન સબમિટ કર્યું હતું.
ફાળવેલ રકમ વિશે કોઈ માહિતી નથી
કે રાજને કહ્યું કે, ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોના રાહત અને પુનર્વસન માટે રાજ્યને ફાળવવામાં આવેલી રકમ વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમણે કહ્યું કે વિપક્ષ અને શાસક પક્ષે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી વાયનાડમાં ભૂસ્ખલનથી બચી ગયેલા લોકોને જરૂરી કેન્દ્રીય સહાય મળે.
શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવી જોઈએ
કેરળમાં, શાસક પક્ષ એલડીએફ અને વિરોધ પક્ષ યુડીએફ માંગ કરે છે કે વાયનાડમાં ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે. કેરળની માંગ છે કે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે રાહત અને પુનર્વસન માટે જરૂરી સહાય પૂરી પાડવામાં આવે.
જો કે, કેન્દ્રએ જવાબ આપતા કહ્યું કે SDRF અને NDRFની હાલની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ આપત્તિને 'રાષ્ટ્રીય આપત્તિ' તરીકે જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી. જેના કારણે કેરળમાં કેન્દ્રની વ્યાપક ટીકા પણ થઈ હતી.
મહત્વપૂર્ણ છે કે, 30 જુલાઈના રોજ ત્રાટકેલી આપત્તિએ વાયનાડના અટ્ટમાલા સહિત ત્રણ ગામોના મોટા ભાગમાં વિનાશ વેર્યો હતો, જેમાં પંચરીમટ્ટમ, ચુરામાલા અને મુંડક્કાઈ જેવા ગામો સામેલ છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 231 લોકોના મોત થયા હતાં જ્યારે 47 લોકો હજુ પણ લાપતા છે.