અયોધ્યાઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી લોકો સતત અયોધ્યા પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ અને વિવિધ રાજ્યોના રાજ્યપાલો રામ લલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે.
બીજીવાર અયોધ્યાની મુલાકાતઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે બીજી વખત અયોધ્યા પહોંચ્યા. મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પહેલા અયોધ્યા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારબાદ રામલલાના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા. ગર્ભગૃહની સામે પહોંચીને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રામલલાને જોઈને ભાવુક થઈ ગયા અને તે જ જગ્યાએ બેસીને તેમના ચરણોમાં માથું નમાવી દીધું. હાથ જોડીને આશીર્વાદ માંગ્યા.
શ્રી રામચરિત માનસની ભેટઃ આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે તેમને શ્રી રામચરિત માનસનું પુસ્તક અર્પણ કર્યુ હતું. ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે, હું જાન્યુઆરીથી 2 વખત અયોધ્યા આવ્યો છું, જે લાગણી તે સમયે હતી તે આજે પણ છે.
અયોધ્યાનો પાડોશીઃ હું અયોધ્યાનો પાડોશી છું અને આ પહેલા પણ ઘણી વખત આવ્યો છું. આ અમારા માટે ખુશીની વાત નથી પરંતુ ગર્વની વાત છે. હું 22મી જાન્યુઆરી પહેલા આવ્યો હતો અને હવે 22મી જાન્યુઆરી પછી આવ્યો છું. આજે હું માત્ર ભગવાન રામલલાના જ દર્શન કરીશ. આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.