હરિયાણા : જ્યારથી ત્રણ અપક્ષ ધારાસભ્યોએ હરિયાણા સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું છે, ત્યારથી હરિયાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષનો દાવો છે કે હરિયાણા સરકાર લઘુમતિમાં છે. તો શાસક પક્ષનો દાવો છે કે સરકાર લઘુમતિમાં નથી, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તાજા સમાચાર એ છે કે દુષ્યંત ચૌટાલાના લેખિત પત્ર બાદ કોંગ્રેસે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માંગ કરી છે. હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ નાયબ સૈની સરકારના ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.
દુષ્યંત ચૌટાલાનો રાજ્યપાલ જોગ પત્ર : જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, અમે ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલને પત્ર લખ્યો છે. બે મહિના પહેલાં રચાયેલી સરકાર હવે લઘુમતિમાં છે, કારણ કે તેમને ટેકો આપનાર બે ધારાસભ્યોએ (ભાજપમાંથી એક અને અપક્ષમાં એક) તેમનું સમર્થન પાછું ખેંચી લીધું છે. જો આ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે તો અમે તેને સમર્થન આપીશું. અમે આ અંગે રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. હવે, કોંગ્રેસે આ પગલું ભરવું પડશે. જો ભાજપ પાસે બહુમતી નથી, તો હરિયાણામાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.
JJP જોગ ભૂપેન્દ્ર હુડ્ડાની સલાહ : અગાઉ દુષ્યંત ચૌટાલાએ વિપક્ષના નેતા ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે તો JJP તેનું સમર્થન કરશે. આ પછી ભૂપેન્દ્ર હુડ્ડાએ પલટવાર કરતા કહ્યું કે, JJP સરકારની B ટીમ છે. જો JJP સરકારને તોડવા માટે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી રહી છે તો તેઓ પહેલા પોતાનું નિવેદન લેખિતમાં આપવું જોઈએ. ત્યારબાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સરકારને પછાડવા માટે વધુ પગલાં લેશે. આ પછી દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખીને ભાજપ સરકારના ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.
CM નાયબ સૈનીનો વિપક્ષ પર વાર : આ સમગ્ર મામલે હરિયાણાના સીએમ નાયબ સૈનીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભૂપેન્દ્ર હુડ્ડા અને દુષ્યંત ચૌટાલા પર નિશાન સાધતા સીએમ નાયબ સૈનીએ કહ્યું કે, આ લોકો મુંગેરીલાલના સપના જોઈ રહ્યા છે. જનતાએ તેમને ફગાવી દીધા છે. આ લોકો સત્તામાં આવવાના નથી. આ લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા, લોકોનું શોષણ કરવા અને લોકોને હેરાન કરવાનું કામ કરે છે. જ્યારે સપ્ટેમ્બરમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે રાજ્યમાં ભાજપની સરકાર જંગી બહુમતી સાથે બનશે.
શું હરિયાણા સરકારનો ફ્લોર ટેસ્ટ થશે ? દુષ્યંત ચૌટાલા પર નિશાન સાધતા સીએમ નાયબ સૈનીએ કહ્યું કે, હરિયાણા વિધાનસભામાં શું થયું એ બધાએ જોયું છે. દુષ્યંત ચૌટાલા પાસે કયા ધારાસભ્યો છે કે તેઓ લઘુમતીની વાત કરે છે ? દુષ્યંત ચૌટાલાએ પોતે જોવું જોઈએ કે તેમની પાસે કોઈ ધારાસભ્યો છે કે નહીં. અમારી પાસે હાલમાં વિશ્વાસ મત છે, જો જરૂર પડશે તો અમે ફરી એકવાર વિશ્વાસ મત પ્રાપ્ત કરીશું.