શ્રીનગર : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યા. ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને 42 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 29 બેઠકો મળી છે. તે જ સમયે PDP ને 3, પીપલ્સ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટીને એક-એક બેઠક મળી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 9 બેઠકો જીતી હતી.
ઈન્ડિયા એલાયન્સને બહુમતી : આ સાથે ઈન્ડિયા એલાયન્સે બહુમતી હાંસલ કરી લીધી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાની ગુરેઝ વિધાનસભા બેઠક ચર્ચામાં છે, જ્યાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમ બહુમતીવાળી આ બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર 1,100 મતોથી પરાજય થયો હતો.
નેશનલ કોન્ફરન્સ સામે મુકાબલો : ભાજપે ગુરેઝ વિધાનસભા બેઠક પરથી ફકીર મુહમ્મદ ખાનને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સીધી ટક્કર નેશનલ કોન્ફરન્સના નઝીર અહમદ ખાન સામે હતી. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર નઝીરને ચૂંટણીમાં કુલ 8378 વોટ મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર ફકીરને 7246 વોટ મળ્યા. આ રીતે તેઓ માત્ર 1,132 મતથી હારી ગયા છે.
98 ટકા મુસ્લિમ વસ્તી : તમને જણાવી દઈએ કે બારામુલ્લાની ગુરેઝ વિધાનસભા સીટ 98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતી સીટ છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર માટે અહીંથી આટલા ઓછા મતોથી હારવું આશ્ચર્યજનક છે. અહીં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નિસાર અહેમદ લોન 1966 મતો સાથે ત્રીજા ક્રમે છે.
2014માં નઝીર 100 વોટથી જીત્યા હતા : ઉલ્લેખનીય છે કે, 2014માં પણ નઝીર આ સીટ પરથી માત્ર 100 વોટથી જીત્યા હતા. આ પહેલા નઝીર અહમદ ખાન 2002 અને 2008માં પણ આ જ સીટ પરથી ચૂંટાયા હતા, જ્યારે ફકીર મોહમ્મદ ખાન 1996માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા.