રાજકોટ: ETV ભારતની લોકસભાનાં ઉમેદવારોની પ્રચાર યાત્રા દરમ્યાન તેમની સાથે વાત કરવાની શૃંખલામાં 10-રાજકોટ લોકસભા બેઠકનાં ઈન્ડિયા ગઠબંધન વતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી સાથેની વાતચીત
ETV BHARAT: 21-22 વર્ષ પછી અમરેલીથી અહિંયા, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, ક્યા પ્રકારની રણનીતિ વિચારી રહ્યા છો?
પરેશ ધાનાણી: સંવિધાન ખતરામાં છે, બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે, કોઈ અધિકાર માટે અવાજ ઉઠાવે તો પ્રજા દ્વારા સત્તાધીશ પ્રતિનિધિઓ અવાજ ઉઠાવનારને ડરાવે છે અને ધમકાવે છે, પીટાવે છે, ખોટા કેસોમાં ફિટ કરી દે છે, ત્યારે આ લડાઈ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિની લડાઈ નથી, આ લડાઈ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપની નથી, આ લડાઈ પરષોત્તમભાઈ વિરુદ્ધ પરેશની નથી, રણ-મેદાન અમરેલીનું હોય કે રાજકોટનું આ લડાઈ ત્યારે પણ સત્તાનાં અહંકારને ઓગાળવાની હતી પ્રજાનાં સ્વાભિમાનનું રક્ષણ કરવાની હતી, આ લડાઈ આજે પણ સંવિધાન અને બંધારણીય અધિકારોને આગળ ધપાવવાની છે.
ETV BHARAT: સુરતની ઘટના, કોંગ્રેસમાં નેતાગીરીમાં અસમંજસ એવામાં પરેશ ધાનાણીની રાજકોટથી લડવાની ઘોષણા, કાર્યકરોમાં ક્યાંક ચેતનાનો સંચાર થયો છે, શું આ વખતે રાજકોટમાં 2009વાળી થશે?
પરેશ ધાનાણી: સતત બંધારણીય અધિકારો પર પ્રહાર, એ અધિકાર જેમાં રાજા હોય કે રંક, ગરીબ હોય કે અમીર, રોડપતિ હોય કે કરોડપતિ બધાને એક શસ્ત્ર મળ્યું છે. આ મતનાં અધિકારનું શસ્ત્ર, આજે સામાન્યમાં સામાન્ય માનવીને મળેલા એ શસ્ત્રની ધાર સતત બુઠ્ઠી કરવાનું સત્તામાં બેઠેલા લોકો પ્રયાસ કરી રહ્યા છે, ક્યાંય કામનાં નામે મત માંગી શકતા નથી, એટલે વર્ગ-વિગ્રહનાં નામે વિવાદો કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે, સરકારની નિષ્ફરળતાઓને છુપાવવાનો પ્રયાસ કરે છે, ત્રણ-ત્રણ મુખ્યમંત્રીઓ રાજકોટએ આપ્યા છતાં આજે વર્ગ-વિગ્રહ તરફ સમાજને ધકેલવાનો પ્રયાસ રાજકોટની આ ભૂમિ પરથી થયો છે. ત્યારે પ્રજાનાં સ્વાભિમાનની લડાઈનાં બીજ જ્યારે 19 તારીખે નખાયા ત્યારે વિજય વિશ્વાસનું વટવૃક્ષ પણ સાથે-સાથે એટલે સ્થાપાઈ ગયું હતું કે જો આ વખતે ચુકી ગયા તો બધે હરીફો વિહોણી ચૂંટણીઓ થશે અને એવું રાજકોટની આ પ્રજા નહિ થવા દે એવો મને ચોક્કસ વિશ્વાસ છે, પેટીઓ ખુલે ત્યારે જોજો, અહંકાર ઓગળી ગયો હશે અને સ્વાભિમાનની જીત થશે.
ETV BHARAT: વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતાની ભૂમિકા વખતે જે મિજાજ હતો એ જ મિજાજ આજે પણ છે, તો પરેશ ધાનાણીને ડર નથી લાગતો આ બધી રેડ કરતી એજંસીઓથી?
પરેશ ધાનાણી: એકાદી રેડ પડે તો સારું અને ગામમાં થોડી આબરૂ વધે અને કોક ઉછીનાં ઉધાર આપે. આ અનીતિ વિરુદ્ધ નીતિની લડાઈ છે, અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે, અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે, ભલે અમે મુઠ્ઠીભર લોકો રહ્યા પણ આ લડાઈમાં જીત અમારી થશે.
ETV BHARAT : કોંગ્રેસમાંથી કચરો સાફ થઈ ગયો, ત્યારે તમને શું લાગે છે કે કોંગ્રેસમાં હવે નવચેતના આવશે અને એમાં તમારી શું ભૂમિકા રહેશે?
પરેશ ધાનાણી: કોંગ્રેસ આંદોલન છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી નાનું મગજ ઘરે મૂકીને આવે એવી નેતાગીરીને જ સ્થાન આપે છે, લોકશાહીવાળી કોંગ્રેસની વ્યવસ્થામાં એ લોકો ન સચવાણા તો ભારતીય જનતા પક્ષ એ લોકોને કેમ સાંચવશે, કોંગ્રેસમાં કકળાટ એવો પ્રચાર કરવામાં ભાજપ સફળ થતી, હવે એ આખો કાળો કકળાટ કમલમે ગયો છે એટલે અમને હવે એવું લાગે છે કે ભાજપમાં કકળાટ છે અને કોંગ્રેસ ટનાટન સત્તા પરિવર્તનની રાહ પર આગળ વધી રહી છે.
ETV BHARAT : બંને નેતાઓ જ્યારે રાષ્ટ્રીય મુદાઓ પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે સ્થાનિક પ્રશ્નો વિશેે કોઈ ચર્ચા નથી, તો અમરેલીમાં જે વિકાસલક્ષી પ્રશ્નોનો સામનો કર્યો છે ત્યારે રાજકોટમાં ક્યા પ્રશ્નોને સંબોધશો?
પરેશ ધાનાણી : અમરેલીનાં લોકોને પૂછો કે અમરેલીનાં વિકાસમાં કઈ અડચણો આવી, વિપક્ષી નેતા તરીકે જે પણ કાંઈ થઈ શકે પાયાની જરૂરિયાતોને સંબોધવાની જવાબદારી મેં બખૂબી નિભાવી હતી અને આજે જ્યારે રાજકોટનાં લોકોએ પરેશ પર વિશ્વાસ મુક્યો છે ત્યારે રાજકોટનો વિકાસ માત્ર રોડ-રસ્તા, ગટર પૂરતો સીમિત ન રહીને લોકોનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં જ અમે કાર્યરત રહીશું.
ETV BHARAT: શું લાગે છે કે સુરતમાં કોંગ્રેસ બહુ મોટી થાપ ખાઈ ગઈ?
પરેશ ધાનાણી : થેન્કયુ, થેન્કયુ, થેંક્યુ કહીને ચાલતા થયા ...
10-રાજકોટ લોકસભા બેઠકનાં મતદારોનો મિજાજ શું: 7મી મેં નાં દિવસે જ્યારે ગુજરાતમાં મતદાનનો દિવસ છે ત્યારે પારો 45 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન ખાતાની આગાહી છે, પણ 10-રાજકોટ લોકસભા બેઠકનાં મતદારોનો મિજાજ શું, કેવો અને કોના તરફી રહેશે તે તો 4 જૂને જ ખબર પડશે, આજે જ્યારે પરેશ ધાનાણીએ રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં ચાલી રહેલા આંદોલનને જન-સ્વાભિમાનની લડાઈ બનાવી દીધી છે, ત્યારે રાજકીય એપિસેન્ટર કે એન આઈ ઓફ ધ પોલિટિકલ સ્ટોર્મ ઈન ગુજરાત બનેલી આ રાજકોટની બેઠક પર સૌ કોઈ નજર જમાવીને બેઠું છે. એ સમજવા અને જાણવા કે આ રાજકોટનાં આ પ્રતિષ્ઠાની લડાઈમાં આખરે કોણ જીતશે અને કોણ હારશે? જન-સ્વાભિમાન કે રાજકીય અહંકાર?