હરિયાણા : પાનીપતમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે. અહીં શહેરના સંજય ચોક ખાતે એલિવેટેડ હાઈવે પરથી અચાનક લોખંડની પાઇપ તૂટી પડી હતી, જેના કારણે અનેક વાહનોમાં નુકસાન થયું હતું.
ગોઝારો અકસ્માત : મળતી માહિતી મુજબ પાનીપત શહેરના સંજય ચોક પર ટ્રાફિક સામાન્ય દિવસોની જેમ જ ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક એલિવેટેડ હાઇવે પરથી એક લોખંડની પાઇપ તૂટીને નીચે પડી હતી. નીચે રસ્તા પર કેટલાક વાહનો હતા. લોખંડની ભારે પાઈપ પડવાના કારણે અનેક વાહનો તેની નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત કેવી રીતે થયો તે કોઈ સમજી શક્યું નહીં અને અકસ્માત બાદ સ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બચાવ અને રાહત કાર્ય : અકસ્માત જોઈને આસપાસના લોકોએ પાઈપ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. પરંતુ પાઈપનું વજન વધુ હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પ્રશાસનને પણ અકસ્માતની જાણ થતાં વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને પાઇપ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ રોડ પરથી પાઇપ હટાવી અને હાઈવે પરની ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ કરવામાં આવી હતી.
4 લોકો ઈજાગ્રસ્ત : અકસ્માત બાદ પાઈપ નીચે દબાઈ જવાથી કાર સહિત અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકની હાલત નાજુક છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત : તમને જણાવી દઈએ કે જે પાઈપ પડી છે તે ડ્રેનેજ પાઇપ છે, જે એલિવેટેડ હાઈવે પરથી વરસાદી પાણીના નિકાલ માટે લગાવવામાં આવી હતી. પાઇપ કેવી રીતે પડી તે અંગેની માહિતી હજુ સુધી મળી નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પાઈપની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી. જેના કારણે આ મોટો અકસ્માત થયો હતો.