બાલુરઘાટ (પશ્ચિમ બંગાળ): દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થયા પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારે પ્રથમ વખત પશ્ચિમ બંગાળ પહોંચ્યા. તેમણે બુધવારે દક્ષિણ દિનાજપુરના બાલુરઘાટમાં ચૂંટણી રેલી કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદાર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહે CAA મુદ્દે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે TMC ચીફ મમતા CAAનો વિરોધ કરી રહી છે કારણ કે, મમતા બેનર્જી ઘુસણખોરો વોટ બેન્ક માને છે.
મમતા બેનર્જી પર વાકપ્રહારઃ બાલુરઘાટમાં અમિત શાહે જાહેર સભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે પશ્ચિમ બંગાળમાં CAA લાગુ ન કરવા બદલ સીએમ મમતા બેનર્જીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મમતા ઘુસણખોરોને વોટ બેન્ક માને છે. તેથી જ તેઓ ઘુસણખોરી રોકવા માટે પગલાં નથી લઈ રહી. શાહે એ પણ સમજાવ્યું કે ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં ઘુસણખોરી રોકી બતાવી છે. આસામમાં ભાજપની સરકાર બન્યા બાદ ત્યાં ઘુસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. શાહે કહ્યું કે, બંગાળમાં પણ ઘુસણખોરી રોકવા માટે ભાજપ સરકાર જરૂરી છે. શાહે રેલીમાં આવેલા લોકોને ભાજપને 30થી વધુ બેઠકો આપવાનું કહ્યું હતું. અમિત શાહે રામ મંદિર, કલમ 370, CAA સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી.
ગેરમાર્ગે દોરવાનો આક્ષેપઃ અમિત શાહે મમતા બેનર્જી જનતાને ગેરમાર્ગે દોરે છે તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી CAA અંગે બંગાળના લોકોને ગેરમાર્ગે દોરે છે. ગૃહપ્રધાન શાહે CAA હેઠળ અરજી કરવાથી નાગરિકતા ગુમાવવી પડશે તેવા સીએમ મમતાના દાવાને પણ ફગાવી દીધો હતો. શાહે કહ્યું કે, મમતા દીદી બંગાળના લોકોને એમ કહીને ગેરમાર્ગે દોરે છે કે જો તમે CAA હેઠળ અરજી કરશો તો તમે તમારી નાગરિકતા ગુમાવશો. હું આજે તમને એ કહેવા આવ્યો છું કે અહીં આવેલા તમામ શરણાર્થીઓએ કોઈપણ ડર વિના અરજી કરવી જોઈએ. કોઈની સામે કેસ નહીં થાય. આ મોદી સરકારનો કાયદો છે તેને કોઈ બદલી શકશે નહીં.
અમિત શાહે પડકાર ફેંક્યોઃ ગૃહપ્રધાન શાહે ફરી એકવાર તૃણમૂલ વડા મમતાને પડકાર ફેંક્યો અને કહ્યું કે, મમતા બંગાળમાં CAAના અમલને અટકાવી શકશે નહીં. તેમણે સવાલ કર્યો કે મમતા પાડોશી દેશોના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાને લઈને આટલી ચિંતિત કેમ છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસી બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપી રહી છે.