મુંબઈ: ઇંડિયન સિવિલ સર્વિસમાં છેતેરપિંડી કરી નકલી પ્રમાણપત્ર સબમિટ કરવાનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્ર કેડરના 2022 બેચના પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકરે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે કથિત રીતે વિકલાંગતા અને અન્ય પછાત વર્ગો (OBC)ના નકલી પ્રમાણપત્રો સબમિટ કર્યા છે. આ મુદ્દે એક અધિકારીએ બુધવારે છેતેરપિંડીનો દાવો કર્યો હતો.
વિકલાંગતાના પ્રમાણપત્રની ચકાસણી: પીટીઆઈ અનુસાર જાણવા મળ્યું છે કે, માહિતી આપનાર અધિકારીએ કહ્યું કે પૂજા ખેડકરે OBC અને દૃષ્ટિહીન કેટેગરી હેઠળ સિવિલ સર્વિસ પરીક્ષામાં હાજર રહી હતી, તેણે અંધત્વ અને માનસિક બીમારીનું પ્રમાણપત્ર પણ જમા કરાવ્યું હતું. ઉપરાંત ખેડકરને એપ્રિલ 2022માં વિકલાંગતાના પ્રમાણપત્રની ચકાસણી માટે એઈમ્સ દિલ્હીમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે કોવિડ ચેપને ટાંકીને તેમ કર્યું ન હતું.
પિતા રાજ્ય સરકારના ભૂતપૂર્વ અધિકારી: વધુમાં જણાવતા અધિકારીએ કહ્યું હતું કે, પૂજાના પિતા દિલીપ ખેડકર રાજ્ય સરકારના ભૂતપૂર્વ અધિકારી છે. તેમણે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી લડી હતી અને તેમની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયા જાહેર કરી હતી. જોકે, પૂજા ખેડકરે OBC કેટેગરી હેઠળ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી, જ્યાં ક્રીમી લેયર સર્ટિફિકેટ માટેની મર્યાદા રૂપિયા 8 લાખ વાર્ષિક પિતાની આવક હોય છે.
પૂજા ખેડકરે અનેક માંગણીઓ કરી: રિપોર્ટ અનુસાર, પુણેમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયા બાદ, પૂજા ખેડકરે કથિત રીતે ઓડી કાર માટે VIP નંબર પ્લેટ અને વાહન પર લાલ બત્તી લગાવવા જેવી અનેક માંગણીઓ કરી હતી.
VIP નંબર પ્લેટવાળી ખાનગી ઓડી કાર: આથી ત્યારબાદ પ્રોબેશનરી IAS અધિકારીની મંગળવારે પુણેથી વાશિમમાં લાલ-વાદળી દીવાદાંડી અને VIP નંબર પ્લેટવાળી ખાનગી ઓડી કારનો ઉપયોગ કરવા બદલ બીજી જગ્યાએ બદલી કરવામાં આવી હતી. આ સાથે ખેડકર સામે હોદ્દાના દુરુપયોગ કરવાની અનેક ફરિયાદો મળી રહી હતી.