ચિત્રકૂટ: માત્ર 200 રૂપિયા માટે નારાજ થયેલી એક મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. મહિલાના પતિએ તેની માતાને 200 રૂપિયા આપ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે આ વાતને લઈને મહિલા ગુસ્સામાં હતી. આ કરૂણ ઘટના ચિત્રકૂટના માનિકપુર વિસ્તારમાં ઘટી હતી. મૃતક બે બાળકોમાં એક બાળક તો માત્ર 8 મહિનાનો હતો. માત્ર બસ્સો રૂપિયા માટે એક મહિલાએ પોતાના માસૂમ બાળકો સાથે પોતાનો જીવ આપી દીધો હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શા કારણે કર્યો આપઘાત: મૃતક મહિલા અંજુના પતિ સબિત લાલ કોલે પોલીસને જણાવ્યું કે સોમવારે સવારે તેની માતા શિયાવતી બારગઢ ગામથી લમ્હી ગામે પોતાના સંબંઘીઓના ઘરે જઈ રહી હતી. જેના માટે તેણે તેની માતાને 200 રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ સબિતલાલ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે તેની પત્ની 22 વર્ષિય અંજુ અને તેના બે બાળકો જેમાંથી સુધીરની ઉંમર 3 વર્ષ અને 8 મહિનાનો સુદીપ ઘરે ન મળતાં તેમની શોધખોળ શરૂ કરી હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. ત્યારે ગામના કેટલાક લોકોએ જાણ કરી કે ખેતરમાં કુવામાં એક લાશ પડી છે. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે તેની પત્ની અને બાળકોના મૃતદેહો જોયા.
માત્ર 200 રૂપિયા જેવી બાબતમાં આપઘાત: માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. ચિત્રકુટના પોલીસ અધિક્ષક અરુણ કુમાર સિંહે જણાવ્યું કે, એવું સામે આવ્યું છે કે મૃતક મહિલાના પતિએ તેની માતાને 200 રૂપિયા આપ્યા હતા. તેનાથી અંજુ નારાજ થઈ ગઈ હતી, જેના પગલે તેણે પોતાના બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધો હતો. પોલીસ તમામ હકીકતોની તપાસ કરી રહી છે. જો કોઈ રીતે મૃતકના પરિવારજનોને સરકારી સહાય મળી શકે તો તે પણ પ્રયાસો કરવામાં આવશે.