નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ કૌભાંડ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ સુરેશ કૈતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો. ગુરુવારે સુનાવણી દરમિયાન, ED તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ તેમની વ્યક્તિગત રીતે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. કેજરીવાલ તરફથી વારંવાર પૂછવામાં આવ્યું કે તેમને કઈ આધારે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. કોર્ટે આ અરજી પર EDને જવાબ દાખલ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે વચગાળાની રાહતની માંગ કરતી આ અરજીને મુખ્ય અરજી સાથે ટેગ કરી છે, જેની સુનાવણી 22 એપ્રિલે થશે.
EDની કોર્ટની રજૂઆત: સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ED પોતાનો જવાબ દાખલ કરવામાં ગમે તેટલો સમય લે, ત્યાં સુધી કેજરીવાલ સામે કોઈ નિવારક પગલાં લેવા જોઈએ નહીં. કોર્ટે ઈડી પાસેથી કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા. આના પર ED વતી ASG SV રાજુએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવા છે કે તેમની ધરપકડ થઈ શકે છે.
EDનું આકરૂં વલણ: EDએ કહ્યું કે જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે તેઓ સુનાવણીના હકદાર નથી. તેમણે કહ્યું કે કેજરીવાલ અને કે. કવિતા વિરુદ્ધ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવી જરૂરી છે, પરંતુ તે સમન્સની અવગણના કરી રહ્યાં છે. એએસજી એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલ પોતાને સામાન્ય માણસ કહે છે, પરંતુ જ્યારે સમન્સ મોકલવામાં આવે છે, ત્યારે તે ક્યારેક વિપશ્યના પર જાય છે તો ક્યારેક અન્ય બહાના બનાવે છે.
કોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત નહીં: આપને જણાવી દઈએ કે, 20 માર્ચે હાઈકોર્ટે ઈડીના સમન્સને પડકારતી અરજી પર અરવિંદ કેજરીવાલને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલે આશંકા વ્યક્ત કરી હતી કે ED તેમને પૂછપરછ માટે બોલાવી શકે છે. અને તેમની ધરપકડ કરી શકે છે. સુનાવણી દરમિયાન કોર્ટે અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે, તમે પહેલા દેશના નાગરિક છો અને જો તમારા નામે સમન્સ જારી કરવામાં આવે તો તમારે હાજર થવું જોઈએ. ત્યારે કેજરીવાલ વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સંજય સિંહ અને મનીષ સિસોદિયાની પણ આ જ રીતે ધરપકડ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, 16 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. આ પહેલા કેજરીવાલે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી અને તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ કેજરીવાલ 16 માર્ચે કોર્ટમાં હાજર થયા હતા.