નવી દિલ્હી : આગોતરા જામીન મેળવનાર બિઝનેસમેનના પોલીસ રિમાન્ડને કોર્ટના ઘોર તિરસ્કાર તરીકે ગણાવતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે ગુજરાત હાઇકોર્ટને મેજિસ્ટ્રેટને યોગ્ય તાલીમ આપવા જણાવશે. ગુજરાતના એક વેપારીના પોલીસ રિમાન્ડ પર ભારે નારાજગી વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીના રોજ સુરતના કેટલાક પોલીસ અધિકારીઓ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ વ્યક્તિની તિરસ્કારની અરજી પર નોટિસ પાઠવી હતી.
જામીન અપાયેલાં છતાં કસ્ટડીમાં રાખ્યાં : સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે અરજદાર તુષારભાઈ રજનીકાંતભાઈ શાહને આગોતરા જામીન આપવામાં આવ્યા હતાં, પરંતુ તેમને છેતરપિંડીના કેસમાં 13 થી 16 ડિસેમ્બર, 2023 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં.
સોલિસિટર જનરલનો જવાબ : સોમવારે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આ મામલો ફરી સુનાવણી માટે આવ્યો હતો. કેટલાક પ્રતિવાદીઓ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેમની ભૂલ થઈ છે. "આ એવી વસ્તુ નથી કે જેનો બચાવ કરી શકાય અથવા બચાવ કરવો જોઈએ...તે સ્પષ્ટપણે ભૂલનો મામલો છે," તેમણે બેન્ચને જણાવ્યું હતું.
મેજિસ્ટ્રેટ અને અધિકારીઓને યોગ્ય તાલીમની ટકોર : જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારને આગોતરા જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો 8 ડિસેમ્બર, 2023નો આદેશ સ્પષ્ટ હતો અને તેને મેજિસ્ટ્રેટ અને સંબંધિત પોલીસ અધિકારીઓ સમક્ષ પણ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે ગુજરાત હાઈકોર્ટને મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકારને તેના અધિકારીઓને યોગ્ય રીતે શિક્ષિત કરવા માટે યોગ્ય તાલીમ આપવાનું કહીશું.'
ખોટું અર્થઘટન થયું : તુષાર મહેતાએ બેન્ચને કહ્યું કે જે પોલીસ અધિકારીએ સુપ્રીમ કોર્ટના આદેશનું ' ખોટું અર્થઘટન ' કર્યું હતું તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે સુરત પોલીસ કમિશનરને શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની જાણ નહોતી. બેન્ચને ગુજરાતમાં એક પ્રથા વિશે પણ જાણ કરવામાં આવી હતી, જ્યાં સામાન્ય રીતે અરજી કરનાર વ્યક્તિને આગોતરા જામીન આપવાના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તપાસ અધિકારીને તેના રિમાન્ડ માટે અરજી કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.
બે અઠવાડિયા પછી આ મામલાની સુનાવણી : સુપ્રીમ કોર્ટે કહ્યું, 'જો તમે આ પેટર્નને અનુસરો છો, તો ગુજરાતને શિક્ષિત કરવાની જરૂર છે. મેજિસ્ટ્રેટને પણ શિક્ષિત કરવાની જરૂર છે. અમદાવાદમાં તમારી આવી સારી (તાલીમ) એકેડમી છે. ખંડપીઠે કહ્યું કે તે યોગ્ય રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે નિર્ણય લે તે પહેલા ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી કરવામાં આવે. સુપ્રીમે રજિસ્ટ્રાર જનરલ મારફત હાઈકોર્ટને નોટિસ જારી કરી અને બે અઠવાડિયા પછી આ મામલાની સુનાવણી માટે મુદત સુનિશ્ચિત કરી હતી.