તમિલનાડુ : તમિલનાડુના રાજ્યપાલ થિરુ. આર.એન. રવિસના મહાત્મા ગાંધી પરના તેમના નિવેદન મામલે આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે તમિલનાડુના રાજભવન દ્વારા પ્રેસ રિલીઝના માધ્યમથી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે.
તમિલનાડુના રાજભવનની પ્રેસ રિલીઝમાં રાજ્યપાલ થિરુ. આર.એન.રવિસને જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસમાં કેટલાક મીડિયા અહેવાલોએ એવી ખોટી છાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે કે હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો અનાદર કરી રહ્યો છું. સત્યથી દૂર કંઈ હોઈ શકે નહીં. હું મહાત્મા ગાંધીને સર્વોચ્ચ આદર માનું છું અને તેમના ઉપદેશો મારા જીવનનો આદર્શ છે.
23 જાન્યુઆરી 2024 ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 127 મી જન્મજયંતિ નિમિત્તે મારા ભાષણ બાદ કેટલાક મીડિયાએ મારા ભાષણમાંથી ચેરી-પિકિંગ કર્યું અને તેને ટ્વિસ્ટ આપ્યો હતો. મારા વક્તવ્યમાં મેં એ મુદ્દાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કર્યો કે આપણા દેશની આઝાદીમાં નેતાજીના મહત્વપૂર્ણ યોગદાનની પૂરતી પ્રશંસા કરવામાં આવી નથી. મેં એક મુદ્દા પર વાત કરવાનો પ્રયાસ કર્યો કે 1947 માં આઝાદીની ચળવળને ગતિ આપી વેગવંતો બનાવનાર ફેબ્રુઆરી, 1946 નો રોયલ ઇન્ડિયન નેવી અને એરફોર્સનો બળવો હતો. આ બંને બળવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પ્રેરિત હતા.
આ બળવાને કારણે અંગ્રેજો ગભરાઈ ગયા, કારણ કે તેઓ ભારતમાં પોતાની સુરક્ષા અને સલામતી માટે ભારતીય સુરક્ષાકર્મીઓ પર હવે વિશ્વાસ કરી શકે તેમ નહોતા. આ બળવો ફેબ્રુઆરી 1946 માં થયો હતો અને તેના બીજા જ મહિને માર્ચ, 1946 માં અંગ્રેજોએ જાહેર કર્યું કે તેઓ ભારત છોડી દેશે. અંગ્રેજોએ ઉશ્કેરાયેલા ભારતીયોની લાગણીઓને અને પૂર્વ સંભવિત બળવો શાંત કરવા તથા તેમની પ્રામાણિકતા દર્શાવવા માટે બંધારણ સભાની રચના કરી હતી.
નૌકાદળ અને હવાઈ દળના બળવા સહિત બ્રિટિશરો સામે ભારતીય રાષ્ટ્રીય સેનાના યુદ્ધ પણ નેતાજીની ક્રાંતિકારી ક્રિયાઓથી પ્રેરિત હતા. વર્ષ 1942 ઓગસ્ટ માસની ભારત છોડો ચળવળની પ્રારંભિક સફળતા પછી તેણે અસર ગુમાવી હતી. ભારતના વિભાજન અંગે મુસ્લિમ લીગના આગ્રહ અને તેમની પ્રતિક્રિયાઓને કારણે રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળની આંતરિક તકરારને કેવી રીતે મેનેજ કરવી તેમાં કોંગ્રેસના નેતાઓના મોટા ભાગના પ્રયત્નો અને ઉર્જા રોકાઈ ગઈ હતી. જે અંગ્રેજો માટે આનંદની વાત હતી.
અંગ્રેજો ભારત પર થોડા વધુ વર્ષ શાસન કરી શક્યા હોત, પરંતુ નેતાજીની સશસ્ત્ર ક્રાંતિ અને ભારતીય સૈન્ય અને સુરક્ષા દળો પર તેની ડોમિનો અસર અંગે મેં જે કહ્યું છે તે પ્રાથમિક દસ્તાવેજો પર આધારિત તથ્યો છે. મારો મતલબ મહાત્મા ગાંધીનો કોઈ અનાદર કરવાનો નહોતો. તેમના ઉપદેશો મારા જીવનનો માર્ગદર્શક પ્રકાશ છે.