નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલે ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર એક વિશેષ ડૂડલ બહાર પાડ્યું છે, જેમાં એનાલોગ ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધીની દેશની સફર દર્શાવવામાં આવી છે. ડૂડલ્સ એ એક પ્રકારનું ડ્રોઇંગ છે જેમાં સૌથી મોટી ઘટનાઓ અથવા વિષયોને પણ સરળ રીતે દર્શાવવામાં આવ્યા છે. આજના ગુગલ ડૂડલમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત પરેડ છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્ક્રીન પર કેવી રીતે જોવા મળી છે.
ભારત 1947માં બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950 ના રોજ પ્રજાસત્તાક બન્યું. વર્ષોથી, આપણે કેથોડ રે ટ્યુબવાળા મોટા ટેલિવિઝન સેટમાંથી નાના ટીવી અને પછી સ્માર્ટફોન તરફ આગળ વધ્યા છીએ. આ ડૂડલમાં બે ટીવી સેટ અને એક મોબાઇલ ફોન દર્શાવવામાં આવ્યો છે જેમાં ડાબી બાજુએ પ્રથમ એનાલોગ ટેલિવિઝન સેટની ઉપર Google માટે અંગ્રેજી અક્ષર 'G' લખાયેલ છે અને બે ટીવી સ્ક્રીનને બે 'O' અક્ષરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે સ્માર્ટ ફોનમાં GLE લખેલું દર્શાવ્યું છે.
Google શબ્દના બાકીના ત્રણ અંગ્રેજી અક્ષરો 'G', 'L' અને 'E' જમણી બાજુએ બતાવેલ મોબાઈલ હેન્ડસેટની સ્ક્રીન પર લખેલા છે. પ્રથમ ટીવી સ્ક્રીન પર પરેડનું એક દ્રશ્ય બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે બીજા રંગીન સ્ક્રીન પર ઉંટની સવારી બતાવીને ટેક્નોલોજીની સફરને ઉજાગર કરવામાં આવી છે.
આ ડૂડલ પર લખવામાં આવ્યું: 'આ ડૂડલ ભારતના પ્રજાસત્તાક દિવસના અવસર પર બનાવવામાં આવ્યું છે જે, 1950માં તે દિવસની યાદ અપાવે છે જ્યારે ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રએ પોતાને સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક જાહેર કર્યું હતું.' તેમાં કહેવામાં આવ્યું છે કે, 'આજનું ડૂડલ મહેમાન કલાકાર વૃંદા ઝાવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા દાયકાઓમાં ગણતંત્ર દિવસની પરેડને વિવિધ પ્રકારની સ્ક્રીન પર દર્શાવવામાં આવી છે.'