મુંબઈ : ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ અંબાણી પરિવારે એન્ટિલિયાના રાજાનું સ્વાગત કર્યું છે. અનંત અને રાધિકા પણ તેમના પ્રથમ ગણેશોત્સવ પર બાપ્પાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
અંબાણી પરિવારના ઘરે ગણેશોત્સવ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારે શુક્રવારે સાંજે ગણેશ ચતુર્થીની ઉજવણી પહેલા તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી. આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી તેમના ઘર એન્ટિલિયામાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશોત્સવ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અંબાણી પરિવાર ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો.
'એન્ટીલિયા ચા રાજા' : અંબાણી પરિવારે તેમના ઘર એન્ટિલિયામાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરી, જેને એન્ટિલિયા ચા રાજા કહેવામાં આવે છે. સમગ્ર અંબાણી પરિવારે એન્ટિલિયામાં તેમના ઘરે ભગવાન ગણેશજીનું સ્વાગત કર્યું અને 'ગણપતિ બાપ્પા મોર્યા' ના નારા લગાવ્યા હતા. ગણેશ ચતુર્થી પહેલા મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તમામ દેશવાસીઓને તહેવારની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયો હતો. જ્યાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ હાજર હતા.
લાલબાગ ચા રાજા : અહેવાલો અનુસાર અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈના પ્રતિષ્ઠિત લાલબાગ ચા રાજા ગણેશજીને સોનાનો મુગટ ભેટમાં આપ્યો હતો. આ મુગટની કિંમત 15 કરોડ રૂપિયા છે અને તેનું વજન 20 કિલો છે. દસ દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈમાં સુરક્ષા માટે લગભગ 15,000 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ સિવાય વરિષ્ઠ અધિકારીઓ વ્યવસ્થા પર નજર રાખશે.