નવી દિલ્હીઃ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ નેશનલ પરેડમાં ઈસરોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ ટેબ્લોમાં ચંદ્રયાન-3 અને આદિત્ય L1ની ઝાંખી દર્શાવાઈ હતી. ચંદ્રના દક્ષિણ ધૃવ પર સફળ લેન્ડિંગ કરનાર ચંદ્રયાન-3 અને સૂર્યના અધ્યયન કરતા આદિત્ય L1ને આ ટેબ્લોમાં પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું.
ઈસરોના ટેબ્લોમાં વિવિધ અંતરિક્ષ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોના કાર્યપ્રદાનને પણ દર્શાવવામાં આવ્યું હતું. આ મહિલા વૈજ્ઞાનિકો અત્યારે પ્રથમ માનવ અંતરિક્ષ સફરના મિશન પર કામ કરી રહી છે.
ઈસરોના ટેબ્લોમાં લોન્ચ વ્હીકલ માર્ક-3ના મોડલને રજૂ કરવામાં આવ્યું હતું. આ માર્ક-3 શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3ને ચંદ્રમા સુધી લઈ ગયું હતું. આ ટેબ્લોમાં ચંદ્રના દક્ષિણ ધૃવનું મોડલ પણ રજૂ કરવામાં આવ્યું હતું. ચંદ્ર પરના આ સ્થળને વડા પ્રધાન મોદીએ શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું.
આ ઝાંખીમાં સૂર્યનું અધ્યયન કરવા માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ 1નું પણ ચિત્રણ કરવામાં આવ્યું હતું. ઈસરોના ભાવિ મિશન ગગનયાનને પણ આ ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યું હતું.
ઈસરોના ટેબ્લો આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા પ્રાચીન ખગોળવિદો અને અંતરિક્ષ અગ્રદૂતોને દર્શાવવામાં આવ્યા હતા. અત્યારે ઈસરો ભારતના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ અને પૂર્વ વૈજ્ઞાનિકોના પ્રયાસોની સફળતા એમ બંનેની ઉજવણી કરી રહ્યું છે.
ઈસરોનું આગામી મિશન ગગનયાન છે. આ ઉપરાંત ઈસરો અવકાશમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપશે. વર્ષ 2040 સુધી ઈસરોની યોજના ચંદ્ર પર પ્રથમ માનવને મોકલવાની છે. આજની દિલ્હીની નેશનલ પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 16 અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કુલ 9 એમ 25 ટેબ્લો રજૂ થયા હતા.