આગ્રા : આગ્રાના પ્રવાસન વ્યવસાયને 1 એપ્રિલથી મોટો ફટકો પડશે, કારણ કે આગ્રાના ખેરિયા એરપોર્ટથી જયપુર, ભોપાલ અને અમદાવાદની ફ્લાઈટ સોમવારથી બંધ થવા જઈ રહી છે. ત્રણેય શહેરો માટે સંચાલિત ફ્લાઇટ્સ ફુલ રહી હતી.
આગ્રાથી ફ્લાઇટ સેવા બંધ : આ અંગે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે, ઈન્ડિગો એરલાઈન્સે એરક્રાફ્ટની અછતને કારણે ત્રણ શહેરના ફ્લાઈટનું સંચાલન બંધ કરી દીધું છે. હવે જયપુર, ભોપાલ અને અમદાવાદ માટે ફ્લાઈટ ક્યારે શરૂ થશે ? આ અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. હાલમાં આગ્રાના ખેરિયા એરપોર્ટ પરથી માત્ર ત્રણ શહેરો માટે જ ફ્લાઈટ ઉપલબ્ધ થશે.
કુલ છ રૂટ ઉપલબ્ધ : નોંધનીય છે કે, આગ્રાનો પર્યટન વ્યવસાય ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર નિર્ભર છે. હાલમાં આગ્રાના ખેરિયા એરપોર્ટથી મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, ભોપાલ, જયપુર અને લખનઉ જવા માટે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ઉપલબ્ધ છે. ઈન્ડિગો છ શહેરો માટે ફ્લાઈટ સંચાલન કરતી હતી, જેના કારણે લોકોને દિલ્હી જવાની જરૂર ન પડી. આગ્રાથી ઓપરેટ થતી તમામ ફ્લાઈટ ફુલ રહેતી હતી.
આ રૂટની ફ્લાઇટ ફુલ : નોંધનીય છે કે જ્યારે ઈન્ડિગો એરલાઇન્સે આગ્રાથી જયપુર, બેંગ્લોર, ભોપાલ માટે ફ્લાઈટ શરૂ કરી ત્યારે આગ્રા તેમજ આસપાસના જિલ્લાના મુસાફરોને દિલ્હી જવાની જરૂર નહોતી. મુસાફરોને આગરાના ખેરિયા એરપોર્ટ પરથી જ ફ્લાઈટ મળવા લાગી અને ઉનાળામાં આ રૂટ પર મુસાફરોની સંખ્યા પણ વધી જાય છે. આ ત્રણેય રૂટ પરની ફ્લાઈટો પહેલેથી જ ફુલ હતી. આ સાથે જ આગ્રાથી બેંગ્લોરની ફ્લાઇટમાં મોટાભાગે વર્કિંગ પ્રોફેશનલ્સ અને અમદાવાદથી બિઝનેસમેન મુસાફરો હોય છે. આનાથી વધુ તો મુંબઈની ફ્લાઈટ ફુલ રહે છે. કારણ કે, મુસાફરોને આગ્રાથી મુંબઈની સીધી ફ્લાઇટ મળે છે, જેનાથી સમયની બચત થાય છે.
ફ્લાઇટ બંધ થવાનું કારણ : તમને જણાવી દઈએ કે, ઈન્ડિગો એરલાઇન્સ ખેરિયા એરપોર્ટથી જયપુર, ભોપાલ અને અમદાવાદ જતી ફ્લાઈટનું સંચાલન બંધ કરી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર નીરજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ પછી મુંબઈ, બેંગ્લોર અને લખનઉની ફ્લાઈટ હવે આગ્રાના ખેરિયા એરપોર્ટ પરથી આવશે અને જશે. ઈન્ડિગો એરલાઇન્સ કંપનીએ એરક્રાફ્ટની અછતને કારણે ત્રણ શહેરની ફ્લાઈટ બંધ કરી દીધી છે. કંપની આ શહેરો માટે ફ્લાઈટ ક્યારે શરૂ કરશે આ અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.