બેંગલુરુ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય લોકો સામે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત જબરદસ્તી વસૂલી કરવા બદલ FIR નોંધવાનો બેંગલુરુમાં સ્પેશિયલ કોર્ટે આદેશ આપ્યો છે. જનાધિકાર સંઘર્ષ પરિષદના (JSP) સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.
જનાધિકાર સંઘર્ષ પરિષદ દ્વારા ફરિયાદ : જનાધિકાર સંઘર્ષ પરિષદ દ્વારા એક અરજી કરી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ પગલાં લેવા સૂચના માંગી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી આપી વસૂલી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે બેંગલુરુમાં સ્પેશિયલ કોર્ટે તિલકનગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા જબરદસ્તી વસૂલી કરવાના ગુના માટે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.
નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR : જનાધિકાર સંઘર્ષ પરિષદ દ્વારા 42મી ACMM કોર્ટમાં નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, નલિનકુમાર કાતીલ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ બી. વાય. વિજયેન્દ્ર અને ભાજપ કર્ણાટક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદને ધ્યાનમાં રાખીને કોર્ટે બેંગલુરુની તિલકનગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો.
ઈલેક્ટોરલ બોન્ડની SIT તપાસ : તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની SIT તપાસની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અત્યારે તપાસની જરૂર નથી. નોંધનીય છે કે, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હતું, પરંતુ તેનો ખુલાસો કરવામાં આવ્યો નહતો.