નવી દિલ્હી: નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU) એ મની લૉન્ડ્રિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
FIUને તપાસ એજન્સીઓ પાસેથી તેમના વ્યવસાય સાથે સંબંધિત કેટલાક એકમો અને કંપનીઓના સંબંધમાં ગેરકાયદેસર ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી. આમાં ઓનલાઈન જુગારનું આયોજન અને સુવિધા સામેલ છે. ફરિયાદ મળ્યા પછી, FIUએ Paytm પેમેન્ટ્સ બેંકની સમીક્ષા શરૂ કરી. મંત્રાલયે કહ્યું કે આ એકમોના ખાતા પેટીએમ પેમેન્ટ બેંકમાં હતા. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મળેલી આવક એટલે કે ગુનાની આવક પેટીએમ પેમેન્ટ્સ બેંકના ખાતા દ્વારા અન્યત્ર મોકલવામાં આવી હતી.
ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયાએ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળની જવાબદારીઓનું ઉલ્લંઘન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડનો નાણાકીય દંડ લાદ્યો છે. FIUએ 1 માર્ચે દંડ ફટકારતો આદેશ પસાર કર્યો હતો. FIUની કાર્યવાહી આરબીઆઈના 31 જાન્યુઆરીના નિર્દેશ બાદ કરવામાં આવી છે. આરબીઆઈએ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવી થાપણો સ્વીકારવા અથવા તેના ગ્રાહકોના ખાતાને 'ટોપ અપ' કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં તારીખ લંબાવીને 15 માર્ચ કરવામાં આવી હતી.