નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશ અને દુનિયામાંથી હજારો લોકોએ ભાગ લીધો હતો. કોમી સૌહાર્દ માટે આ આયોજનમાં એક ઈમામે પણ ભાગ લીધો હતો. તેના માટે હવે તેમની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને ફોન પર સતત ધમકીઓ પણ મળી રહી છે, જેનાથી તેઓ પરેશાન છે.
ઈમામને મળી ધમકીઓ: ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીએ સોમવારે કહ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા બદલ તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસીએ પીટીઆઈ-વીડિયો સાથે વાત કરતા એમ પણ કહ્યું કે તે દિવસથી જ તેમને એક વર્ગ તરફથી દુર્વ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને ફોન પર સતત ધમકીઓ પણ મળી રહી છે.
સોશિયલ મીડિયા પર ફતવો: ઇલ્યાસીએ કહ્યું કે તેમને આ ફતવો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા જારી કરવામાં આવ્યો હતો અને તેમાં તેનો મોબાઈલ ફોન નંબર જણાવવામાં આવ્યો હતો. તેને તમામ ઇમામો અને મસ્જિદ સત્તાવાળાઓને મોકલવામાં આવ્યો હતો અને તેમને મારો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ફતવામાં મને માફી માંગવા અને મારા પદ પરથી રાજીનામું આપવાનું પણ કહેવામાં આવ્યું છે. ઇલ્યાસીએ કહ્યું કે તેમણે શા માટે અને કઈ બાબતે આ પ્રકારે ફતવો બહાર પાડ્યો તે તો માત્ર તેઓ જ જાણે છે.
ઈમામે કહ્યું- માફી માંગવાનો સવાલ જ નથી: ઈલ્યાસીએ કહ્યું કે રામ જન્મભૂમિ (મંદિર) ટ્રસ્ટે મને આમંત્રણ મોકલ્યું હતું, જે મેં સ્વીકાર્યું. આ પછી, હું બે દિવસ સુધી વિચારતો રહ્યો કે મારે શું નિર્ણય લેવો જોઈએ, કારણ કે તે મારા જીવનનો સૌથી મોટો નિર્ણય હતો. મેં સાંપ્રદાયિક સૌહાર્દ, દેશ અને રાષ્ટ્રીય હિત માટે વિચાર્યું અને ત્યાર બાદ અયોધ્યા ગયો. ઈમામે કહ્યું કે અયોધ્યાના લોકોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે મારો હેતુ પ્રેમનો સંદેશ આપવાનો હતો, જે મેં ત્યાં પહોંચાડ્યો. તેણે કંઈ ખોટું કર્યું નથી, તેથી માફી માંગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: મહત્વપૂર્ણ છે કે, ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો, આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ ઉપરાંત દિશ વિદેશમાંથી આવેલા વિવિધ વર્ગોના લોકો સહિત આશરે 7,000 થી વધુ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમનો ભાગ બન્યા હતાં.