નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ને ઓફિસ માટે જમીન ફાળવવાની માંગ પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચે કેન્દ્ર સરકારને 15 મે એટલે કે આજ સુધીમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની સુનાવણી 15 મે ના રોજ થશે.
જમીન બાબતે સુનાવણી: સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટી વતી કહેવામાં આવ્યું કે, તે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટી છે. ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર, રાષ્ટ્રીય પક્ષો દિલ્હીમાં ઓફિસ માટે જમીન મેળવવા માટે હકદાર છે. તમામ માન્ય રાજકીય પક્ષોને તેમની ઓફિસ ચલાવવા માટે દિલ્હીમાં જમીન મળી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે 15 જૂન સુધીમાં તેની રાઉઝ એવન્યુ ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારે ફગાવી અરજી: આવી સ્થિતિમાં તેમને તેમની ઓફિસ માટે વૈકલ્પિક જમીન ફાળવવાનો આદેશ જારી કરવો જોઈએ. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, તેને ઓફિસ માટે દિલ્હીમાં એક હજાર ચોરસ મીટર જમીન મેળવવાનો અધિકાર છે. પાર્ટીને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પાર્ટીનો દરજ્જો મળ્યાના છ મહિના પછી જ તેણે જમીન ફાળવણી માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે તેમની અરજી ફગાવી દીધી હતી કે કોઈ જગ્યા ખાલી નથી. પાર્ટીનું કહેવુ છે કે, કેન્દ્રનું આ વર્તન એટલા માટે છે કારણ કે અરજદાર વિરોધ પક્ષ છે. પાર્ટીએ તેની ઓફિસ માટે મધ્ય દિલ્હીમાં જમીન ફાળવવાની માંગ કરી છે.