નવી દિલ્હી : દિલ્હીમાં આપ સરકારના મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો છે કે, એક પછી એક બની રહેલી ઘટનાઓ દર્શાવે છે કે દિલ્હીની કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આતિશીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર આગામી સમયમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની છે. વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, અધિકારીઓ દિલ્હી સરકારની કોઈપણ બેઠકમાં ભાગ લેતા નથી.
આતિશીએ કર્યા ગંભીર આરોપ :
- છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીમાં કોઈપણ અધિકારીની કોઈપણ પોસ્ટિંગ નથી થઈ રહી.
- દિલ્હીમાં ઘણા વિભાગો ખાલી છે અને ત્યાં કોઈ અધિકારી નથી. પરંતુ હજુ પણ દિલ્હીમાં કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.
- છેલ્લા એક સપ્તાહથી LG ગૃહ મંત્રાલયને દિલ્હી સરકાર અંગે કોઈ કારણ વગર વારંવાર પત્ર લખી રહ્યા છે.
- દિલ્હી સરકારના અધિકારીઓએ આદર્શ આચાર સંહિતાના બહાને કોઈપણ બેઠકમાં હાજરી આપવાનું બંધ કરી દીધું છે, પછી ભલે તે ગમે તેટલી મહત્વપૂર્ણ હોય.
- 20 વર્ષ જૂના કેસને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવને બરતરફ કરવામાં આવ્યા છે.
દિલ્હી સરકારને તોડી પાડવા ષડયંત્ર થઈ રહ્યું છે : આતિશી
આતિશીએ કહ્યું કે, આ તમામ સંકેત દર્શાવે છે કે દિલ્હી સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. ED અને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પુરાવા વગર નકલી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ જાણે છે કે તેઓ ગમે તે કરે પણ અરવિંદ કેજરીવાલને હરાવી શકે નહીં, તેથી તેમને જેલમાં ધકેલી દીધા છે.
ભાજપ દ્વારા રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું છે : આતિશી
કેજરીવાલ સરકારની સિદ્ધિઓ ગણાવતા આતિશીએ કહ્યું કે, કેજરીવાલ સરકારે મફત વીજળી, 24 કલાક વીજળી, મફત પાણી, સરકારી શાળાઓ, મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર અને મહિલાઓને મફત બસ મુસાફરીની સુવિધા આપી છે. દિલ્હીની વાત છોડો, કોઈપણ રાજ્યમાં ભાજપ આવી નીતિ લાગુ કરી શકે નહીં. કેજરીવાલના વચનોથી ભાજપ ખતરો અનુભવી રહી છે. દિલ્હીમાં દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા મળશે, આથી રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું છે.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જનતાના આદેશની વિરુદ્ધ છે : આતિશી
આતિશીએ વધુમાં કહ્યું કે, હું ભાજપને ચેતવણી આપું છું કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું ગેરકાયદેસર છે. તે જનતાના આદેશની વિરુદ્ધ છે. જનતાએ કેજરીવાલને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, આ જનાદેશ હેઠળ કેજરીવાલ સરકારે થોડા દિવસો પહેલા જ 17 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ કરીને બહુમતી સાબિત કરી દીધી છે. ભારતના બંધારણ હેઠળ કોઈપણ સરકાર પાસે બહુમતી હોય તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાતું નથી. 2016 માં જ્યારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, ત્યારે હાઈકોર્ટે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો. બાદમાં રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું હતું. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી છે.
આતિશીએ વધુમાં કહ્યું કે, હું દિલ્હીના લોકોને કહેવા માંગુ છું કે તમારે રાજકીય ષડયંત્રથી ડરવાની જરૂર નથી. જ્યાં સુધી કેજરીવાલ દિલ્હીના પુત્ર તરીકે ઊભા છે, પછી ભલે તે જેલની અંદર હોય કે બહાર, તેઓ દિલ્હીના લોકોના અધિકાર માટે લડતા રહેશે. કોર્ટથી સંસદ સુધી લડત ચાલુ રાખશે. દિલ્હીના લોકોને તેમનો અધિકાર મળતો રહેશે. કેજરીવાલની ગેરંટી છે કે દિલ્હીની મહિલાઓને દર મહિને હજાર રૂપિયા ચોક્કસ મળશે. ભલે તેઓ કેજરીવાલ સરકારને તોડવાની ગમે તેટલી કોશિશ કરે.