નવી દિલ્હી : રોહિણીના પ્રશાંત વિહારમાં સ્થિત CRPF સ્કૂલ પાસે રવિવારના રોજ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં દિલ્હી પોલીસે ટેલિગ્રામ પાસેથી માહિતી માંગી છે. આ વિસ્ફોટના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ ઘટના બાદ પ્રશાંત વિહાર પોલીસે રવિવારે સાંજે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. હવે આ કેસ સ્પેશિયલ સેલ અથવા NIA ને ટ્રાન્સફર કરી શકાય છે.
કોણે કર્યો દિલ્હી બ્લાસ્ટ ? હકીકતમાં, રવિવારના રોજ થયેલા વિસ્ફોટ બાદ જસ્ટિસ લીગ ઇન્ડિયા નામના જૂથે ટેલિગ્રામ એપ પર જવાબદારી લીધી અને દાવો કર્યો કે આ ખાલિસ્તાની સંગઠનનું કામ છે અને ભારત માટે ચેતવણી છે. જોકે, આ વિસ્ફોટમાં ખાલિસ્તાની એંગલ છે કે કેમ તે અંગે દિલ્હી પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી. આ જૂથે વિસ્ફોટની ઘટનાના CCTV ફૂટેજ પણ ટેલિગ્રામ પર પોસ્ટ કર્યા છે.
#WATCH | Delhi: Visuals from the spot where a blast occurred yesterday, outside CRPF School in Prashant Vihar, Rohini. pic.twitter.com/cuhMOm6hhj
— ANI (@ANI) October 21, 2024
બ્લાસ્ટ બાદ તપાસ શરૂ : વિસ્ફોટની ઘટના બાદ એક CRPF ટીમ સોમવારે સવારે ઘટનાસ્થળે પહોંચી અને થોડીવાર તપાસ કર્યા બાદ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. જ્યાં બ્લાસ્ટ થયો તે જમીન CRPFની છે અને ત્યાં એક સ્કૂલ ચાલે છે. સોમવારના રોજ શાળા રાબેતા મુજબ ખુલી હતી. NDRF ટીમને સ્થળ પર બોલાવવામાં આવી, જેથી જાણી શકાય કે સ્થળ પર કોઈ કિરણોત્સર્ગી પદાર્થ હાજર હતો કે કેમ. જોકે, તપાસમાં આવું કંઈ મળ્યું નથી.
વિસ્ફોટકોની માહિતી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીનું કહેવું છે કે, તમામ એજન્સીઓના નિષ્ણાતો તેમની સાથે સેમ્પલ લઈ ગયા છે, જેની તેઓ પોતપોતાની લેબમાં વિગતવાર તપાસ કરશે. આ પછી જ ઉપયોગમાં લેવાતા રસાયણો અને વિસ્ફોટકોની ચોક્કસ માહિતી જાણી શકાશે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે, વિસ્ફોટમાં ઘણા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે દેશી એટલે કે ક્રૂડ બોમ્બ જેવો પણ લાગતો નથી.
બ્લાસ્ટ CCTV કેમેરામાં કેદ : એજન્સીઓનું માનવું છે કે તહેવારોમાં ગભરાટ ફેલાવવા માટે કોઈએ આવું કૃત્ય કર્યું હોઈ શકે છે. બ્લાસ્ટની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવારે 7:02 વાગ્યે સ્કૂલની સામેના રસ્તા પર લોકો પોતાના વાહનોમાં ફરી રહ્યા હતા. ત્યારપછી શાળા પાસે એક સ્પાર્ક થયો અને બે-ત્રણ સેકન્ડમાં જોરદાર વિસ્ફોટ થયો. આ પછી સર્વત્ર ધુમાડો છવાઈ ગયો.
ઘટનાસ્થળે શું મળ્યું ? તમને જણાવી દઈએ કે, તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં નાઈટ્રેટ અને ક્લોરાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને હાઈ ગ્રેડ વિસ્ફોટક ગણવામાં આવતા નથી. હાલમાં એજન્સીઓને એ જાણવામાં મુશ્કેલી પડી રહી છે કે બ્લાસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો હતો. કારણ કે ઘટનાસ્થળેથી ટાઈમર, ડિટોનેટર, વાયર, બેટરી, ઘડિયાળ વગેરે મળી આવ્યા નથી, જેના કારણે એવું માની શકાય કે વિસ્ફોટ માટે રીમોટનો ઉપયોગ કરવામાં આવ્યું હશે.