નવી દિલ્હી: દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન આજે સમાપ્ત થઈ ગઈ છે. તેમણે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટમાંથી તેમને આ સંદર્ભે કોઈ રાહત મળી નથી. હવે અરજી પર ચુકાદો 5 જૂને સંભળાવવામાં આવશે. આવી સ્થિતિમાં હવે અરવિંદ કેજરીવાલે આજે એટલે કે 2જી જૂને તિહાડ જેલમાં આત્મસમર્પણ કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. તેમની જામીનની મુદ્દત 1 જૂનના રોજ સમાપ્ત થઈ ગઈ છે. નીચલી કોર્ટે નિયમિત જામીન પર પોતાનો ચુકાદો ન આપ્યો હોવાથી હવે તે ફરીથી તિહાડ જેલમાં જશે. આ પહેલા તેમણે 51 દિવસ તિહાડ જેલમાં વિતાવ્યા હતા. જેલવાસ દરમિયાન તેમણે શુગર લેવલ વધલું અને વજન ઘટ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે જેલ પ્રશાસને આ વાતને નકારી કાઢી હતી. શનિવારે પણ જ્યારે કેજરીવાલના વકીલ આ વાત કહી રહ્યા હતા ત્યારે સોલિસિટર જનરલે તેનું ખંડન કર્યુ હતું.
ED વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ASG SV રાજુએ કોર્ટમાં તેમની દલીલો આપી હતી. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ એન હરિહરન હાજર રહ્યા હતા. એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલની આત્મસમર્પણ ન કરવાની માંગ સાંભળવા યોગ્ય નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં વચગાળાના જામીન માટેની અરજી મેન્ટેનેબલ નથી. એસવી રાજુએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
આપને જણાવી દઈએ કે 29 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની સાત દિવસની વચગાળાની જામીન અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડને પડકારવા અંગેનો નિર્ણય પહેલાથી જ અનામત રાખવામાં આવ્યો છે. તેથી વચગાળાના જામીન લંબાવવાની કેજરીવાલની અરજીનો મુખ્ય અરજી સાથે કોઈ સંબંધ નથી. આ સિવાય સુપ્રીમ કોર્ટે તેમને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની પણ મંજૂરી આપી છે.