નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાના બજેટ સત્ર માટે ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના દિલ્હી વિધાનસભાના આદેશને દિલ્હી હાઈકોર્ટે રદ કરી દીધો છે. સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે 6 માર્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. આ પહેલા 27 ફેબ્રુઆરીએ હાઇકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જ્યારે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે વિશેષાધિકાર સમિતિએ આગળની કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ નહીં.
દિલ્હી વિધાનસભાની દલીલ : સુનાવણી દરમિયાન દિલ્હી વિધાનસભા તરફથી વકીલ સુધીર નંદરાજોગે કહ્યું હતું કે, ભાજપના સાત સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ચાલી રહેલી કાર્યવાહી કોઈ પણ વિલંબ વિના સમાપ્ત થશે અને તેમનું સસ્પેન્શન અસંમતિના અવાજને સમાપ્ત કરવાનો કોઈ પ્રયાસ નથી. ધારાસભ્યોનું સસ્પેન્શન વિપક્ષના ધારાસભ્યોના ગેરવર્તન સામે સ્વ-શિસ્તની પ્રક્રિયા છે. સાત ધારાસભ્યો દ્વારા દાખલ કરાયેલ અરજીનો વિરોધ કરતા તેમણે કહ્યું હતું કે, વિધાનસભા તેની ગરિમા જાળવવા માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે. જ્યારે ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને માફી માંગતો પત્ર લખ્યો, તો તેઓએ વિધાનસભાને પણ આવો જ પત્ર લખવો જોઈતો હતો. ત્યારબાદ કોર્ટે ધારાસભ્યો વતી હાજર રહેલા વકીલ જયંત મહેતાને આ મામલાને ઉકેલવા અને વિધાનસભાને સન્માનપૂર્વક પત્ર લખવા જણાવ્યું હતું.
વિશેષાધિકાર સમિતિનો ખુલાસો : સુનાવણી દરમિયાન નંદરાજોગે કહ્યું કે, સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ધારાસભ્યોના સસ્પેન્શનને આમ આદમી પાર્ટીની બહુમતીના રાજકીય કૃત્ય તરીકે જોવું જોઈએ નહીં. આ મામલામાં વિપક્ષી નેતાઓ પણ એટલા જ દોષિત છે, પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. જો અસંમતિનો અવાજ બંધ કરવો હોત તો વિપક્ષના નેતાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોત. વિધાનસભાની વિશેષાધિકાર સમિતિએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. વિશેષાધિકાર સમિતિનો વિલંબ કરવાનો કોઈ ઈરાદો નથી. કોઈપણ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા આ ધારાસભ્યોના મંતવ્યો સાંભળવામાં આવશે.
ધારાસભ્યો વતી જયંત મહેતાની દલીલ : નોંધનીય છે કે, 21 ફેબ્રુઆરીએ સાત સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યોએ ઉપરાજ્યપાલને મળીને માફી માંગી હતી. આ ધારાસભ્યો વતી હાજર રહેલા એડવોકેટ જયંત મહેતાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પહેલા જ કહ્યું છે કે તમે કોઈને પણ અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી શકતા નથી. પ્રથમ ઘટનામાં ધારાસભ્યને વધુમાં વધુ ત્રણ દિવસની સજા થઈ શકે છે. જ્યારે બીજી વખત વધુમાં વધુ સાત દિવસની સજા થઈ શકે છે. આ કેસમાં ધારાસભ્યોની આ પહેલી સજા છે, તેથી તેમને ત્રણ દિવસથી વધુ સજા થઈ શકે નહીં.
શું હતો મામલો ? 15 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન કથિત રીતે અવરોધ ઊભો કરવા બદલ ભાજપના સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં મોહન સિંહ બિષ્ટ, અજય મહાવર, ઓપી શર્મા, અભય વર્મા, અનિલ વાજપેયી, જિતેન્દ્ર મહાજન અને વિજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે. ત્યારપછી AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ વિધાનસભામાં તમામ સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પસાર કરવામાં આવ્યો હતો. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે ધારાસભ્યો દ્વારા અવરોધનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો હતો.