ઉત્તરપ્રદેશ : પતંજલિ યોગ વિદ્યાપીઠમાં ભરતી કરાવવાના નામે એક સાયબર ગુનેગારે આગ્રાના એક ડોક્ટરને છેતર્યા છે. ડોક્ટરે ગૂગલમાં પતંજલિ યોગ વિદ્યાપીઠનો સંપર્ક નંબર સર્ચ કર્યો હતો. ત્યારબાદ તેઓ સાયબર ગુનેગારની જાળમાં ફસાઈ ગયા હતા.
પતંજલિના નામે છેતરપિંડી : સાયબર ગુનેગારે ડોક્ટરની બીમાર માતાને પતંજલિ યોગ વિદ્યાપીઠમાં દાખલ કરાવવા માટે ફીના નામે ડોક્ટર પાસેથી 1.28 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે ડોક્ટરે ફરીથી સર્ચ કર્યું અને પતંજલિ યોગ વિદ્યાપીઠના વાસ્તવિક સંપર્ક નંબર પર કર્મચારી સાથે વાત કરી ત્યારે તેમને છેતરપિંડી વિશે ખબર પડી. ડોક્ટરની ફરિયાદ પર સાયબર સેલે તપાસ શરૂ કરી છે.
1.28 લાખનો ચૂનો લાગ્યો : તમને જણાવી દઈએ કે ટ્રાન્સ યમુના કોલોનીમાં રહેતા ડૉ. નરસિંહ બંસલ સાથે છેતરપિંડી થઈ છે. ડો. નરસિંહ બંસલે જણાવ્યું કે, મારી માતાની તબિયત સારી નથી. માતા હરિદ્વાર સ્થિત પતંજલિ યોગ વિદ્યાપીઠમાં તેમની સારવાર કરાવવા માંગે છે. તેથી, મેં મારી માતાને પતંજલિ યોગ વિદ્યાપીઠમાં પ્રવેશ અપાવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરતા પતંજલિ યોગ વિદ્યાપીઠના નામે મોબાઈલ નંબર મળ્યો. આ નંબર પર સંપર્ક કર્યો. ચાર દિવસ સુધી એ નંબર પર વાત કરી. જેના કારણે પુષ્ટિ થઈ કે આ પતંજલિ યોગ વિદ્યાપીઠના કર્મચારીનો નંબર હતો. તેના પર એડવાન્સ બુકિંગના નામે 1.28 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું. આથી મેં 14 જૂનના રોજ 82,500 રૂપિયા અને 15 જૂનની સાંજે 45,600 રૂપિયા આપેલા નંબર પર મોકલ્યા હતા.
આ રીતે થયો છેતરપિંડીનો ખુલાસો : ડૉ. નરસિંહ બંસલે જણાવ્યું કે, યુવકે આપેલા એકાઉન્ટ નંબર પર પૈસા મોકલ્યા બાદ બીજા દિવસે ઇન્ટરનેટ પરથી પતંજલિ યોગ વિદ્યાપીઠનો નંબર શોધી કાઢ્યો. આ પછી વિદ્યાપીઠની ઓફિસ સાથે વાત થઈ અને કોલ રિસીવ કરનાર કર્મચારીએ કહ્યું કે, તેમની માતાને દાખલ કરવામાં આવી નથી. જેના કારણે છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. જ્યારે અમે બેંકમાં જઈને માહિતી એકઠી કરી તો બિહારમાં કોઈના ખાતામાં પૈસા જમા હતા. આ અંગે ડો. નરસિંહ બંસલે ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસે તપાસ માટે સાયબર સેલમાં મોકલી આપ્યો હતો.
કેવી રીતે થાય છે સાયબર છેતરપિંડી : રેન્જ સાયબર સેલના ઈન્ચાર્જ ઇન્સ્પેક્ટર શૈલેષસિંહે જણાવ્યું કે, સાઈબર ગુનેગારોએ હાલમાં જાણીતી સંસ્થા અને કંપનીઓના નામ પર તેમના મોબાઈલ નંબર સર્ચ એન્જિન પર મૂક્યા છે. આવી સ્થિતિમાં જ્યારે લોકો સર્ચ એન્જિનમાં કોઈપણ સંસ્થા અથવા કંપનીનો સંપર્ક નંબર શોધે છે, ત્યારે તેઓ છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ જાય છે. આવ જ છેતરપિંડીના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જનતાને અપીલ છે કે ઈન્ટરનેટ પરથી કોઈનો નંબર લીધા પછી પહેલા તેની ખરાઇ કરો, પછી જ વાત કરો. આ તમને છેતરપિંડીનો શિકાર બનવાથી બચાવશે.
સાયબર છેતરપિંડીથી બચવા આટલું ધ્યાને રાખો :
- જો તમે કોઈ નંબર ઓનલાઇન સર્ચ કરી રહ્યાં હોવ તો તરત જ ફોન ન કરો. પહેલા તે નંબરની સત્યતા તપાસો. તમે બ્રાન્ડની પ્રોડક્ટ પર આપેલા નંબર અથવા ગ્રાહક સેલ અથવા જિલ્લાના કોઈપણ આઉટલેટમાંથી મદદ લઈ શકો છો. આ સિવાય તમે બીજી ઘણી રીતે નંબર કન્ફર્મ કરી શકો છો.
- ઓનલાઈન કોઈની સલાહ પર કોઈપણ ખાતામાં પૈસા જમા ન કરાવો. તેમને કહો કે તેઓ સંસ્થામાં પહોંચ્યા પછી સીધા જ પૈસા જમા કરશે.
- વાત કરનાર વ્યક્તિનું નામ અને સરનામું પૂછો અને સંસ્થા તરફથી તેની પુષ્ટિ કરો.
- જો વાતચીત દરમિયાન કોઈ તમારા પર પૈસા જમા કરાવવા માટે વારંવાર દબાણ કરી રહ્યું હોય તો તરત જ સાવધાન થઈ જાવ. તમે કોઈ છેતરપિંડી કરનારની જાળમાં ફસાઈ શકો છો.
- જો તમને કોઈની વાતચીત શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને જાણ કરો, જેથી કરીને સાયબર છેતરપિંડી કરનારાઓ પર કાર્યવાહી કરી શકાય.