ઉત્તરપ્રદેશ : રામ જન્મભૂમિ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે કાનપુર શહેરના મેસ્ટન રોડ સ્થિત બીચવાલા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. હવે આ મંદિર અને ભાજપના એક નેતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે સવારે મંદિરની દિવાલ પર એક ધમકીભર્યો પત્ર ચોંટાડેલો મળી આવ્યો હતો. આ મામલો બે સમુદાય સાથે સંબંધિત હોવાથી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ડીસીપી પૂર્વ અનેક પોલીસ સ્ટેશનના દળો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે કેસ નોંધી પોલીસ તપાસ કરી રહી છે.
ધમકીભર્યો પત્ર : રવિવારે સવારે ભાજપ નેતા રોહિત સાહુ પૂજા માટે બીચવાલા મંદિર પહોંચ્યા હતા. તેઓ મંદિરના મેનેજર પણ છે. આ દરમિયાન મંદિરની દિવાલ પર એક પત્ર ચોંટાડવામાં આવ્યો હતો. જેમાં મંદિર અને ભાજપ નેતાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બનાવવા પર પણ ટિપ્પણી કરી મંદિરમાં થતા ભજન-કીર્તન પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ : ભાજપના નેતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી ડીસીપી પૂર્વ તેજ સ્વરૂપ સિંહ અનેક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, મામલાની ગંભીરતાને જોતા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ઈન્ટેલિજન્સ ટીમોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
અગાઉની ઘટના : 22 જાન્યુઆરીની રાત્રે શહેરના મેસ્ટન રોડ પાસે એક સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અચાનક એક યુવક કાર લઈને તે કાર્યક્રમમાં આવ્યો અને એક બાઈકસવારને ટક્કર મારી હતી. જો કે, જેસીપી લો એન્ડ ઓર્ડર, ડીસીપી સેન્ટ્રલ અને એસીપી અનવરગંજલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સુજબુજથી પરિસ્થિતિને સંભાળી હતી. ત્યારે પણ શહેરનું વાતાવરણ બગડતું બચ્યું હતું. હવે ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં ધમકીભર્યા પત્ર ચોંટાડીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.